રશ્મિ શુકલ
દેશમાં અંજનીનાં લાલ અથવા તો સંકટમોચન હનુમાનજીના પાવનધામ અનેક છે. જ્યાં તેમની વિવિધ મુદ્રા અને આકારવાળી મૂર્તિના દર્શન થાય છે. કષ્ટભંજન દેવ સાક્ષાત ભગવાન શિવના અવતાર છે. એવી માન્યતા છે કે તેઓ અતુલિત બલ ધામા છે. એટલે કે તેમનામાં સેંકડો સૂર્ય સમાન તેજ છે.
આવા મહાબલી હનુમાનજીનું વૃંદાવનમાં એકમાત્ર એવું મંદિર છે જે આખા જગતમાં ક્યાંય નથી. આ મંદિરની વિશેષતા એ છે કે એમાં હનુમાનજીના પાંચ ભાઈઓની પણ પૂજા થાય છે. કેસરીનંદનના પાંચ ભાઈઓ હતા. એમાં સૌથી મોટા હનુમાનજી હતા. તેઓ બાલ બ્રહ્મચારી હતાં, પરંતુ તેમનાં પાંચેય ભાઈઓ વિવાહિત હતા અને તેમનાં સંતાનો પણ હતાં.
વૃંદાવનમાં આવેલા આ બાલાજી મંદિરમાં બજરંગબલીની સાથે તેમના ભાઈઓનાં આશીર્વાદ પણ ભક્તોને મળે છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં શ્રદ્ધા સાથે માથુ નમાવવામાં આવે તો કોઈપણ ભક્ત કદી નિરાશ નથી થતો. તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને કષ્ટ દૂર થાય છે. હનુમાનજીની પાંચમુખી પ્રતિમા સ્થાપિત છે. જેમાં નરસિંહ, ગરુડ, હૃયગ્રિવ, વરાહ અને સ્વયં હનુમાન.
આ મંદિરમાં જવા માટે તમારે ઉત્તર પ્રદેશમાં આવેલી વૃંદાવન નગરી જવું પડશે, જ્યાં રાધા-કૃષ્ણની ભકિત ધારા અવિરત વહે છે. આ મંદિર ભવ્ય અને ખૂબ સુંદર છે. મંદિરની અંદર પ્રવેશતા જ તમને મહાબલી હનુમાનજીની કુંડળી પણ જોવા મળશે. સાથે જ હનુમાન ચાલીસાને મંદિરના પ્રાંગણમાં આવેલા એક થાંભલા પર અંકિત કરવામાં આવી છે. એની પરિક્રમા કરીને લોકો મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે. આ સિવાય લોકોનું કલ્યાણ કરનારા હનુમાનજીનું યંત્ર પણ અહીં સ્થાપિત છે. અહીંની વાસ્તુકળા અને આધ્યાત્મિક ઊર્જા અનોખી છે. ભક્તોને દાદાના આશીર્વાદ અને શક્તિનો અનુભવ કરાવવો એ જ આ મંદિરનો ઉદ્ેશ છે.