Wed Jun 10 2026

Logo

ગુજરાતી શીખવવા શિક્ષકો પોતે બન્યા વિદ્યાર્થી: જાણો કેમ ધરમપુરના શિક્ષકો વડીલો પાસે શીખી રહ્યા છે વારલી બોલી?

2026-02-23 22:44:25
Author: Devayat
Article Image

વલસાડ: તાજેતરમાં જ આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી. માતૃભાષાનું સંવર્ધન કરવાની નેમ આ દિવસે અનેક લોકોએ લીધી પણ ખરેખર ગુજરાતીના પ્રચાર અને પ્રસારની ખરી જવાબદારી ગુજરાતના સરહદ નજીકના ગામના એ શિક્ષકોએ ઉપાડી છે, કે જેમના પર  વારલી બોલતા વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવવાની જવાબદારી છે અને આ  માટે તેઓ પોતે વારલી શીખી રહ્યા છે. ચાલો જાણીએ માતૃભાષા ખરા રખેવાળની મજાની વાતને. 

‘‘ધવળા ધવળા સસલા, ઇકુન ધાવધે તીકુન ધાવધે, માલ હેરી ને પળી જાય, ડોંગરા વર ચઢી જાય...’’ એટલે ગુજરાતી ભાષામાં સમજીએ તો, ‘‘ધોળું ધોળું સસલું, આમ દોડે તેમ દોડે, મને જોઈ ને નાસી જાય, ડુંગર ઉપર ચઢી જાય...’’ વારલી બોલીમાં ગવાતી આ કવિતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજ ગામ તરીકે પહાડોની ગોદમાં વસેલા પેણધા ગામની આંઘોડી સરકારી પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે છે. 

ગુજરાતીમાં કહેવત છે કે 'બાર ગાઉંએ ગામ બોલી બદલાય' તેમ ધરમપુરની સરહદે આવેલા ગામોમાં મરાઠી ભાષાના લહેકા સાથે વારલી બોલી બોલવામાં આવે છે, ત્યાં ઘરે ઘરે આપણી માતૃભાષા ગુજરાતી પ્રચલિત નથી પરંતુ નવી પેઢીના બાળકોને માતૃભાષા ગુજરાતી તરફ વાળવા માટે શિક્ષકો સૌ પ્રથમ વારલી બોલી શીખી રહ્યા છે બાદમાં બાળકોને ધીમે ધીમે ગુજરાતી ભાષા તરફ વાળવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. આજે આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છે કે, તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ સમગ્ર દુનિયામા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના છેવાડાના બોર્ડર વિલેજની સ્કૂલોમાં પણ ગુજરાતી માતૃભાષાને જીવંત રાખવા માટે શિક્ષકો દ્વારા થઈ રહેલા પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પેણધા ગામ તેમજ આસપાસના ગામોમાં વારલી બોલી બોલવામાં આવે છે. સરકારી શાળામાં પ્રવેશ મેળવનારા બાળકો પણ વારલી બોલી જ સમજતા હોવાથી આવા સંજોગોમાં બાળકોને ગુજરાતી ભાષા તરફ વાળવુ અઘરૂ બની જાય છે. જેથી નવી પેઢીના બાળકોને માતૃભાષા ગુજરાતી તરફ વાળવા હોય તો શિક્ષકોએ સૌથી પહેલા સ્થાનિક બોલી શીખવી જરૂરી છે.

સ્થાનિક ભાષા શિખવાથી આત્મીયતા વધી 
ધરમપુરના પેણધા ગામમાં આવેલી પ્રાથમિક શાળા આંઘોડીમાં હાલમાં બાલવાટીકાથી ધો. ૮ સુધીમાં ૧૦૨ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે, જે અંગે વાત કરતા શિક્ષિકા દર્શનાકુમારી પટેલે જણાવ્યું હતું કે  અહીં વારલી બોલી ઘર ઘરમાં બોલાતી હોવાથી શાળામાં પ્રવેશતાની સાથે જ શરૂઆતમાં બાળકોને ગુજરાતી ભાષા શીખવીએ તો સરળતાથી સમજતા નથી. ગુજરાતી ભાષાના બીજ રોપવા માટે અમારે સૌપ્રથમ ગામના વડીલો પાસે વારલી બોલી શીખવી પડે છે. શરૂઆતમાં બાળકોને સ્થાનિક ભાષામાં જ શિક્ષણ મળી રહે તે માટે GCERT દ્વારા સ્થાનિક બોલીના મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. જેનો અમારે અભ્યાસ કરી લોકલ બોલી શીખવી પડે છે. મારો પોતાનો અનુભવ કહું તો, વારલી બોલી શીખ્યા બાદ હવે હું બાળકોને ભણાવુ તો મારી સાથે તેઓનો આત્મીયભાવ વધ્યો છે. હવે તેઓ મને કોઈપણ પ્રોબ્લમ હોય તો નિઃસંકોચપણે જણાવે છે. બાલવાટીકાથી ધો. ૨ સુધી તેઓને વારલી બોલીમાં શીખવીને ધીમે ધીમે ગુજરાતી ભાષા તરફ વાળી રહી છું.

વારલીમાં જ શિક્ષકો કરે છે વાત.... 
બાળકો સાથે રોજીંદી ભાષામાં વાત કરતા કેટલાક રસપ્રદ વાક્યો વિશે શિક્ષિકા દર્શનાબેન જણાવે છે કે, કાલ દિસ તું નિશાળમાં કસે ના ઈધેલ? (ગઈકાલે તું નિશાળમાં કેમ નહીં આવ્યો હતો?) મી કાલ દિસ બાળદી હતા. (ગઈકાલે હું નાના ભાઈ/ બહેન ને રાખવા માટે ઘરે હતો), તુમી આજ નિશાળમાં કસે મગ આલશ? એટલે કે, તમે આજે નિશાળમાં કેમ મોડા આવ્યા?, તુમી કાલદિસ એળ ચે કાય ખાલા? (તમે કાલે રાત્રે શું જમ્યા?), તું કાલદિસ નિશાળમાં કસે નાય ઈધેલ? (તું કાલે નિશાળમાં કેમ નહીં આવ્યો હતો?) મુરકુટ ચાવત આહાય. (મચ્છર કરડે છે.) તું લ આજ ના બેસ? (તને આજે નથી સારું?) આવા અનેક શબ્દો શીખી બાળકોને ગુજરાતીમાં શિક્ષણ આપી આપણી માતૃભાષા ગુજરાતીનું જતન કરી રહ્યા છે.  

સ્થાપના થઈ ત્યારે કેમ હતી મુશ્કેલી?
ધરમપુરના પેણધા ગામની આંઘોડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જયેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં પેણધા ગામમાં આ સરકારી શાળાની સ્થાપના થઈ ત્યારથી હું ફરજ બજાવું છું. સ્થાનિક વારલી બોલીના ચલણને કારણે શરૂઆતમાં બાળકોને શિક્ષણ આપવામાં મુશ્કેલી પડી હતી. બાદમાં ગામના વડીલો પાસે તેમજ આ વિસ્તારના શિક્ષકો પાસે પહેલા સ્થાનિક બોલી શીખ્યા ત્યારબાદ બાળકોને ગુજરાતી ભાષામાં શિક્ષણ પીરસવાનું શરૂ કર્યુ હતું. અમારી સ્કૂલમાંથી ભણીને ગયેલા સ્થાનિક બાળકોને હાલ ગુજરાતી ભાષામાં બોલતા જોઈને અમે ખુશી અનુભવીએ છીએ. એનસીઈઆરટી દ્વારા પણ સ્થાનિક ભાષામાં ૨૦ ટકા અભ્યાસક્રમના મોડ્યુલ તૈયાર કરાયા છે. બાકીનો ૮૦ ટકા અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં હોય છે. આમ, સ્થાનિક બોલી પહેલા શિક્ષકોએ શીખવી પડે છે ત્યારબાદ બાળકોને ગુજરાતી ભાષા તરફ દોરી રહ્યા છે.