Sun Aug 23 2026

Logo

અમરેલીમાં મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન, કહ્યું - ગુજરાતનો વિકાસ વિશ્વની નજરમાં આવ્યો

2026-08-15 09:32:00
Author: Mayur Patel
Article Image

અમરેલીઃ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી અને રાજ્ય તેમજ દેશના નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત પોલીસ, મહિલા પોલીસ દળ, હોમગાર્ડ્સ, ટ્રાફિક બ્રિગેડ, NCC અને શ્વાન દળ સહિતની વિવિધ પ્લાટૂનો દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ સંબોધન દરમિયાન આઝાદીના અમૃતકાળમાં દેશના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત અમરેલી અને સૌરાષ્ટ્રના ઐતિહાસિક યોગદાન તેમજ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા સહિતના પ્રેરણાદાયી નેતૃત્વને યાદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 'વિકસિત ભારત @ ૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતના વિકાસ, શિક્ષણ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો.

મુખ્યમંત્રીના સંબોધનની હાઈલાઈટ્સ

દેશના ક્રાંતિકારીઓને નમન
મહામૂલી આઝાદી સાંસ્કૃતિક વિરાસતનું મૂલ્ય
રોકાણકારોને આકર્ષવામાં ગુજરાતને સફળતા
અર્થવ્યવસ્થાના વેગ માટે નવા સેક્ટરનું જોડાણ
આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે
આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો ગુજરાતનો સંકલ્પ
શહેરો અને ગ્રામ્ય વિકાસ પર ગુજરાત સરકારે ભાર મૂક્યો
આજે ગુજરાતનો વિકાસ વિશ્વની નજરમાં આવ્યો છે
વિકાસના લાભો કચ્છ જેવા જિલ્લા સુધી પહોંચ્યા
પાછલા 20 વર્ષમાં 25 નવી મેડિકલ કોલેજ કાર્યરત
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને 10 લાખની મફત સારવાર
વિકસિત ગુજરાત@2047 માટે આપણે સંકલ્પ લઈએ
ગ્રામ્ય વિસ્તારના પરિવારો માટે મફતમાં પ્લોટ
રાજ્ય સરકાર ખાનગી જમીન ખરીદીને મફતમાં પ્લોટ આપશે
કોમનવેલ્થ ગેમ્સનું સરકાર સફળ આયોજન કરશે
3428 કરોડના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ થશે

શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિ ગીતો, પરંપરાગત લોકનૃત્યો અને રાષ્ટ્રભાવના ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા ડોગ શૉ, મોટરસાઇકલ સ્ટંટ્સ અને શસ્ત્ર કૌશલ્યના રોમાંચક કરતબો રજૂ કરાયા હતા.