અમદાવાદઃ હાલ ગુજરાત પર લૉ પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદ ધબધબાટી બોલાવી શકે છે. આ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા, ભડાકા સાથે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં એક તાલુકામાં બે ઇંચથી વધારે, પાંચ તાલુકામાં એક ઇંચથી વધારે અને 128 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
મહીસાગરના ગોધરમાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 1.42 ઇંચ, વલસાડના ધરમપુરમાં 1.18 ઇંચ, પંચમહાલના શહેરામાં 1.14 ઇંચ, દાહોદના સંજેલીમાં 1.02 ઇંચ, વલસાડના પારડીમાં 0.87 ઇંચ, દાહોદના ગોવિંદ ગુરુ લીંબડીમાં 0.83 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 0.79 ઇંચ, મહીસાગરના કોઠંબામાં 0.75 ઇંચ, મહેસાણાના ખેરાલુમાં 0.71 ઇંચ, મહીસાગરના વીરપુરમાં 0.67 ઇંચ, સુરતમાં 0.63 ઇંચ, સુરતના પલસાણામાં 0.63 ઇંચ, આણંદના સોજીત્રામાં 0.59 ઇંચ, દાહોદના ઝાલોદમાં 0.55 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં આજે કયાં છે વરસાદની આગાહી
આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
અંબાલાલે શું કહ્યું
અંબાલાલે કહ્યું, આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પાટણ, સમી અને હારીજના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે. સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ખાસ કરીને વધુ વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત અંબાલાલે કહ્યું, 14 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 22 અને 23 ઓગસ્ટ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે. 31 ઓગસ્ટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસવાથી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.