Sun Sep 06 2026

Logo

પાટિલના ચિલે વિશ્વકર્માના પગલાં! જૂના જોગીઓને બદલે નવા ચહેરાઓ પર દાવ, પરિવારવાદ....

2026-02-17 09:27:57
Author: Devayat Khatana
પાટિલના ચિલે વિશ્વકર્માના પગલાં! જૂના જોગીઓને બદલે નવા ચહેરાઓ પર દાવ, પરિવારવાદ....

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના એંધાણ દેખાય રહ્યા છે. ત્યારે આગામી ચૂંટણીઓને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા લાગુ કરવામાં આવેલા કડક નિયમોને વર્તમાન પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આગળ ધપાવશે અને 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને હવે સક્રિય હોદ્દાઓથી દૂર રાખવામાં આવશે તેવા સંકેતો સૂત્રોએ આપ્યા છે. આ ઉપરાંત, 'નો રિપીટ થિયરી' મુજબ જે નેતાઓ બે ટર્મથી વધુ સમયથી હોદ્દા પર છે, તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવાની રણનીતિ અપનાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં હવે સગાવાદને નાબૂદ કરવા માટે પણ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે અને જે મુજબ જો કોઈ નેતાની ટિકિટ કપાય તો તેમના પરિવારના કોઈ પણ સભ્યને ટિકિટ આપવામાં આવશે નહીં. આ સાથે જ 'એક વ્યક્તિ એક હોદ્દો' ના નિયમનું પાલન કરવામાં આવશે, જેથી સંગઠનમાં જવાબદારી સંભાળતા પદાધિકારીઓને ચૂંટણી લડવા માટે મોકો મળશે નહીં. સિનિયર નેતાઓ કે જેઓ વર્ષોથી સંગઠનમાં છે, તેમને હવે ટિકિટ કે નવા હોદ્દા આપવાને બદલે પાર્ટીના વિજય માટે કામ કરવાનું રહેશે.

ચૂંટણી માટે પાર્ટી કેટલી તૈયાર છે તેનું ઉદાહરણ એ વાત પરથી મળી આવે કે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજથી 'કમલમ' ખાતે કાર્યકરો માટે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે. જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં શરૂ થનારા આ કાર્યક્રમમાં પ્રદેશ સ્તરના નેતાઓ અને જિલ્લા-શહેર પ્રમુખો હાજર રહેશે, જેઓ બાદમાં પોતાના વિસ્તારમાં જઈને કાર્યકરોને પ્રશિક્ષિત કરશે.