(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં દારૂની હેરાફેરીના કેસની તપાસ કરવા પહોંચેલી ગુજરાત પોલીસની ટીમ પર સ્થાનિક ટોળાએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના બહાર આવી હતી. અલીરાજપુરના એસપીના જણાવ્યા અનુસાર, ગુજરાત પોલીસના ચાર જવાનો કટ્ટીવાડા વિસ્તારમાં તપાસ અર્થે પહોંચ્યા હતા.
આ દરમિયાન ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસ વાહન પર પથ્થરમારો કરતા ગાડીના કાચ ફૂટી ગયા હતા, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પોલીસકર્મીને ઈજા પહોંચી નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવાથી રાજ્યની સરહદને અડીને આવેલા મધ્ય પ્રદેશના જિલ્લા અલીરાજપુર મારફતે થતી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ અવારનવાર તપાસ હાથ ધરતી હોય છે.
આ હુમલા પાછળ જૂની અદાવત અને ગેરસમજ જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકો અગાઉ ગુજરાતમાં થયેલા એક યુવકના મોત મામલે નારાજ હતા અને તેમને શંકા હતી કે પોલીસ તેમને તે કેસમાં પકડવા આવી હોવાની ગેરસમજને કારણે ૨૦ જેટલા લોકોના ટોળાએ પોલીસ વાહનને નિશાન બનાવ્યું હતું.
પોલીસે આ મામલે ગુનો નોંધી ૨૦ હુમલાખોરો પૈકી એકની ધરપકડ કરી લીધી હતી, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી હતી.