ગાંધીનગરઃ ગુજરાતની માથાદીઠ આવકમાં 25 વર્ષમાં 15 ગણો વધારો થયો છે. કૃષિ પ્રધાન અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની માથાદીઠ આવક રૂ. 19,713 થી વધીને રૂ. 3,01,000 થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60 ટકા વધુ છે. ગુજરાત દેશના જીડીપીમાં 8.2 ટકા યોગદાન આપે છે.
આ ઉપરાંત વાઘાણીએ કહ્યું, ગુજરાતનો 'ડેબ્ટ-ટુ-GSDP' રેશિયો માત્ર 18.2 ટકા છે, જે નિર્ધારિત 27 ટકાની મર્યાદા કરતા ઘણો ઓછો છે.પંજાબના 47 ટકા અને હિમાચલ પ્રદેશ 45 ટકાથી જેવા રાજ્યોની સરખામણીએ ગુજરાત નાણાકીય શિસ્તમાં મોખરે છે. વાઘાણીએ ઉમેર્યું કે, ગુજરાતની જીડીપી મજબૂત હોવાથી જ તેને લોન મળે છે, ભિખારીને કોઈ નાણાં ધીરતું નથી.
જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં અર્થતંત્ર ડિઝાસ્ટર સમાન હતું. મુંબઈ હુમલા વખતે તત્કાલીન સરકારે માત્ર દસ્તાવેજો મોકલ્યા હતા, જ્યારે આજે મોદી સરકારના નેતૃત્વમાં સેના 'ઓપરેશન સિંદૂર' જેવા મિશન દ્વારા આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને મારે છે.
આ ઉપરાંત પ્રધાને આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બજેટ માત્ર આંકડાઓની માયાજાળ હતી, જેમાં વિકાસ માટે કોઈ સંકલિત માળખું નહોતું. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ સરકારોએ દેશની જનતાને વાસી ગુલાબ પણ આપ્યા નહોતા, પરંતુ કેટલાક નેતાઓ પોતે દરરોજ તાજા ફૂલો પહેરતા અને પેરિસથી ઈસ્ત્રી કરેલા કપડાં મંગાવતા હતા.
કોંગ્રેસ પર નિશાન સાધતા વાઘાણીએ કહ્યું કે, 17 વર્ષ પહેલા જ્યારે મુંબઈમાં 26/11નો હુમલો થયો હતો, ત્યારે કોંગ્રેસ સરકારે માત્ર પુરાવાઓના દસ્તાવેજો (ડોઝિયર) મોકલ્યા હતા અને શરણાગતિ સ્વીકારી હતી. તત્કાલીન યુપીએ સરકારના ગૃહ પ્રધાને સ્વીકાર્યું હતું કે સેના તૈયાર હતી, પરંતુ સરકારે તેને હુમલો કરતા અટકાવી હતી. આજે જો કોઈ આતંકવાદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના નવા ભારત સામે આંખ ઉઠાવે છે, તો આપણી સેના તેના ઘરમાં ઘૂસીને તેનો સફાયો કરે છે, જે વિશ્વએ ‘ઓપરેશન સિંદૂર’માં જોયું છે. લાચાર કોંગ્રેસ સરકાર અને મજબૂત ભાજપ સરકાર વચ્ચે આ જ તફાવત છે, તેમ તેમણે જણાવ્યું હતું.