(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશના વધુ ભાગો તેમજ તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હરિયાણાથી શરૂ થઈ પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાત થઈને અરબી સમુદ્ર સુધી લંબાતી લો-પ્રેશર ટ્રફ સક્રિય છે. આ સાથે જ નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે આગામી 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્ર સહિતના અન્ય રાજ્યોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની છે.
આગામી 6 દિવસ દરમિયાન વરસાદની આગાહી
ગુજરાતમાં આવતીકાલથી આગામી 6 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. આવતીકાલથી 15 જૂન સુધી દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. 13 જૂનથી આ યાદીમાં છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થશે. જો કે, આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના બાકીના તમામ જિલ્લાઓમાં મુખ્યત્વે હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ક્યારે પડશે વરસાદ?
આગાહીના પાંચમા દિવસથી એટલે કે 15 જૂનથી 18 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદનો વ્યાપ થોડો વધશે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની એન્ટ્રી થશે. જ્યારે 17 જૂનના રોજ મધ્ય ગુજરાતના દાહાદ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આમ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ વેગ પકડશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના બાકીના ભાગોમાં હજી વરસાદ માટે રાહ જોવી પડશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.