Tue Sep 15 2026

Logo

ગુજરાતમાં સિઝનનો 53 ટકા વરસાદ, આગામી સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

2026-08-02 17:24:10
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં સિઝનનો 53 ટકા વરસાદ, આગામી સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે હવે સોમવારથી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં અત્યાર સુધી સિઝનનો કુલ સરેરાશ 53 ટકા વરસાદ નોંધાયો છે. 

આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે,  હાલ વેલમાર્ક લો પ્રેશર સહિત વરસાદ લાવતી 5 સિસ્ટમ સક્રિય હોવાથી મોરબી, કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ રહેશે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

નર્મદા ડેમ 73 ટકા ભરાયો 

આ દરમિયાન ગુજરાતની જીવાદોરી  નર્મદા ખાતે સરદાર સરોવર ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે છેલ્લા 24  કલાકમાં  ડેમની સપાટી 1  મીટર વધીને131.26  મીટરે પહોંચી ગઈ છે. નર્મદા ડેમ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 73  ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે.

કુલ 607 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ

રાજ્યમાં ભારે વરસાદના લીધે માર્ગ વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે. જેના કારણે કુલ 607 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. જેમાં 3 નેશનલ હાઈવે, 30 સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના 528 માર્ગો તેમજ અન્ય 46 રસ્તાઓનો સમાવેશ થાય છે.