Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં સૌરાષ્ટ્ર નહીં અહીં પડ્યો મોસમનો સૌથી વધુ વરસાદ

2026-07-04 12:04:00
Author: Mayur Patel
ગુજરાતમાં સૌરાષ્ટ્ર નહીં અહીં પડ્યો મોસમનો સૌથી વધુ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જોકે તેમ છતાં રાજ્યમાં અત્યાર સધીમાં મોસમનો કુલ ૧૩.૨૭ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મોસમના કુલ સરેરાશ વરસાદના ૧૭.૧૧ ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં ૧૫.૩૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦.૮૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭.૭૯ ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર ૦.૪૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 

નર્મદા ડેમ ૬૪.૧૧ ટકા  ભરાયો 

અત્યાર સુધીમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના ૬૪.૧૧ ટકા જેટલો ભરાયો છે. જ્યારે, રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ક્ષમતાના ૩૬.૦૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં ૧૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૦ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૫૮ ડેમ ૨૫ થી ૫૦ ટકા, ૧૧૮ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં, ૦૨ ડેમ હાઇ એલર્ટ, ૦૧ ડેમ એલર્ટ અને ૦૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. 

NDRF-SDRFની ટીમો તૈનાત

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCની યાદી મુજબ રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૧૦ NDRFની ટીમ અને ૨૫ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ૩ NDRF અને ૮ SDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. 

૨,૧૭૪ ગામોમાં વીજ પુરવઠો થયો પ્રભાવિત 

રાજ્યમાં વરસાદના કારણે તા. ૦૧ જૂન, ૨૦૨૬ થી આજદિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ ૫૦ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન અને વરસાદને કારણે ૨,૧૭૪ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી ૨,૦૮૭ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને ૮૭ ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગની આગાહીને પગલે ૭ જુલાઇ, ૨૦૨૬ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.