Sat Aug 29 2026

Logo

વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા, બે વર્ષમાં કુપોષણ પાછળ ખર્ચ્યા 2000 કરોડ રૂપિયા

2026-03-10 15:08:00
Author: Mayur Patel
વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા, બે વર્ષમાં કુપોષણ પાછળ ખર્ચ્યા 2000 કરોડ રૂપિયા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. સરકારના જવાબ અનુસાર બે વર્ષમાં કુપોષણ પાછળ આશરે 2000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કોણે પૂછ્યો પ્રશ્ન
અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકો માટે બજેટ જોગવાઈ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે  પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકો માટે વિભાગના બજેટમાં વર્ષવાર કેટલી જોગવાઈ કરવામાં આવી અને કેટલી રકમ ખર્ચાઈ તથા કેટલી રકમ બચી? 

તેમના પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકો માટે વર્ષ 2024-25માં  રૂ.1451.12 કરોડ અને 2025-26માં રૂ. 1550.32 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 2024-25માં રૂ. 1426.80 કરોડ અને 2025-26માં રૂ. 54.42 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. બંને વર્ષમાં અનુક્રમે રૂ. 24.32 કરોડ અને રૂ. 995.90 કરોડની બચત થઈ હતી.

તાજેતરમાં જાહેર થયેલી વિગત પ્રમાણે ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં, ડાંગ અને દાહોદ જેવા જિલ્લાઓમાં 50% થી વધુ બાળકો કુપોષિત હોવા સાથે, NFHS-5 મુજબ રાજ્ય ગંભીર કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં 5.70 લાખથી વધુ બાળકો કુપોષિત છે, જેમાં આદિવાસી વિસ્તારોમાં શિશુઓના ઓછા વજન (11.63%) અને 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત હોવાની સમસ્યા ચિંતાજનક છે.

ગુજરાતમાં કુપોષણ મામલે કામ કરનારા લોકોનું માનવું છે કે સરકાર અને વિવિધ બિનસરકારી સંસ્થાઓના પ્રયાસો ઉપરાંત પણ તેનું યોગ્ય સમાધાન નીકળતું નથી. સૂત્રોના કહેવા પ્રમાણે. સરકારી યોજનાઓ અનેક લોકો સુધી નથી પહોંચતી તેમાં લેશમાત્ર શંકા નથી. જેમાં સૌથી મોટું કારણ લોકોનું સ્થળાંતર છે.  ગુજરાત અને કેન્દ્ર સરકારની કુપોષણને નિવારવા માટે 17 જેટલી અલગ-અલગ યોજનાઓ હાલમાં અમલમાં છે, જેનો લાભ લેવા છતાં સામે આવેલા આંકડા ચિંતાજનક છે.