Fri Sep 04 2026

Logo

ગુજરાતમાં ચૂંટણીના કારણે પરીક્ષાઓમાં ફેરફાર! GPSC-TAT ની પરીક્ષાની તારીખો બદલાઇ; જાણો વિગતો

2026-04-02 13:14:00
Author: Devayat Khatana
ગુજરાતમાં ચૂંટણીના કારણે પરીક્ષાઓમાં ફેરફાર! GPSC-TAT ની પરીક્ષાની તારીખો બદલાઇ; જાણો વિગતો

અમદાવાદ: ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જેમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ તમામ ચૂંટણી માટે 26 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજવામાં આવશે. જ્યારે  28 એપ્રિલના રોજ  પરિણામ  જાહેર કરવામાં આવશે. આ તમામ ચૂંટણીમાં ઇવીએમથી મતદાન કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જો કે ચૂંટણીની અસર અનેક પરીક્ષાઓ પર પણ જોવા મળી છે. 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જુદી જુદી 10 જાહેરાતોની પ્રાથમિક કસોટી(સંબંધિત વિષય)ની તારીખમાં ફેરફાર કરવા અંગે સૂચના જાહેર કરી હતી. જેમાં આયોગે જણાવ્યું હતું કે અગાઉ જાહેર કર્યા મુજબ જે જાહેરાતોની પ્રાથમિક કસોટી(સંબંધિત વિષય)ની તા.૨૬-૦૪-૨૦૨૬ નિયત કરવામાં આવેલ હતી. ત્યારે જ રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય / પેટા ચૂંટણીઓનું મતદાન યોજાનાર હોઈ, કુલ-૧૦ જાહેરાતોની પ્રાથમિક કસોટી (સંબંધિત વિષય)ની નવી તારીખની જાહેરાત કરવામાં આવી હતી. 
gpsc exam date change

આ કુલ 10 અલગ-અલગ જાહેરાતમાં ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્શન, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ/બાંધકામ), મદદનીશ ઇજનેર અને અધિક સીટી ઇજનેર જેવી વર્ગ-૧ અને વર્ગ-૨ની મહત્વની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ તમામ પદો માટેની સંબંધિત વિષયની પ્રાથમિક કસોટી હવે 26 એપ્રિલના બદલે તા. ૦૩-૦૫-૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા દરમિયાન લેવામાં આવશે તેવી આયોગે જાહેરાત કરી હતી. 

તે ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬” (TAT) નુ આયોજન તા:૨૬/૦૪/૨૦૨૬ નાં રોજ કરવામાં આવેલ હતું. જો કે તે જ સમયે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ નુ આયોજન કરવામાં આવેલ છે. આથી હવે તે પરીક્ષા 26 એપ્રિલના બદલે તા. ૦૩-૦૫-૨૦૨૬ ના રોજ લેવામાં આવશે તેવી રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેરાત કરી હતી.
tat exam date change