અમદાવાદ: આજે 28 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કુલ 382 મતગણતરી સ્થળો અને 38 હોલ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં 6661 ટેબલો પર ગણતરી થશે. આ કામગીરી માટે 28,240 જેટલો ગણતરી સ્ટાફ અને 10,257 વર્ગ-૪ ના કર્મચારીઓ તેનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે 33,750 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે૨૬ એપ્રિલના રોજ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આ સાથે 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. પ્રાથમિક આંકડાઓ મુજબ, મહાનગરપાલિકાઓમાં 49.02 ટકા, નગરપાલિકાઓમાં 59.50 ટકા, જિલ્લા પંચાયતોમાં 61.69 ટકા અને તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 62.38 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.
ઉમેદવારોના નિધન અને મોકૂફ રખાયેલ મતદાન
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ત્રણ ઉમેદવારોના નિધન થવાને કારણે સંબંધિત બેઠકો પર મતદાન રદ કરવાની ફરજ પડી છે. સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર, સુરતની બારડોલી તાલુકા પંચાયતની ૩-અસ્તાન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને અમદાવાદની બાવળા તાલુકા પંચાયતની ૪-દહેગામડા બેઠક પર ભાજપના ઉમેદવારનું અવસાન થતા ૨૬મી એપ્રિલનું મતદાન રદ કરવામાં આવ્યું હતું. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમ-૧૯૯૪ મુજબ આ બેઠકો માટે હવે નવેસરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, 15 મહાનગરપાલિકાઓની કુલ 1044 બેઠકો પૈકી 43 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે બાકીની 1001 બેઠકો માટે 3145 ઉમેદવારો મેદાનમાં હતા. 84 નગરપાલિકાઓની 2624 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ થતા 2238 બેઠકો પર 5441 ઉમેદવારો વચ્ચે જંગ છે. પંચાયતોની વાત કરીએ તો, 34 જિલ્લા પંચાયતોની 1090 બેઠકોમાંથી ૫૨ બેઠકો બિનહરીફ થઈ હતી અને 260 તાલુકા પંચાયતોની 5234 બેઠકો પૈકી 252 બેઠકો બિનહરીફ થઈ હતી. તાલુકા પંચાયતની 3 બેઠકો પર ઉમેદવારોના નિધનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. એકંદરે તમામ સંસ્થાઓ મળીને કુલ 25537 ઉમેદવારોના ભવિષ્યનો આજે ફેંસલો થવાનો છે.