Wed Jun 17 2026

Logo

ગુજરાતઃ પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયો

2026-02-20 11:30:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમના નિયમોમાં સુધારા કરશે. પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયો હતો. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.

સરકાર પ્રેમ લગ્ન વિરોધી નથી: સંઘવી

હર્ષ સંઘવીએ લગ્ન નોંધણી નિયમોમાં સુધારા વિધાનસભામાં રજૂ કર્યા હતા. તેમણે કહ્યું, સરકાર પ્રેમ લગ્ન વિરોધી નથી. પ્રેમ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ છે. પ્રેમના નામે છળકપટ સાંખી નહીં લેવાય. પ્રેમના નામે દીકરીઓને ફસાવવાનો પ્રયાસ થશે તો કાર્યવાહી થશે, આવા તત્વોને રાજ્ય સરકાર ક્યારેય નહીં બક્ષે, કાયદો કાયદાનું કામ કરશે.

ઓળખ છૂપાવી લગ્ન કરનારની ખેર નથી

હર્ષ સંઘવીએ કહ્યું,ઓળખ છૂપાવી લગ્ન કરનારની ખેર નથી.નિયમોમાં ફેરફારથી દીકરીઓને કવચ આપવાનો પ્રયાસ છે. માતા-પિતા દીકરીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રેમ લગ્ન કરનારના માતા-પિતાની વિગતો પોર્ટલ પર રજૂ કરવી પડશે, અરજી આવશે ત્યાર બાદ માતા-પિતાને જાણ થશે. ઓનલાઈન પોર્ટલમાં દરેક વિગતો મુકાશે. 10 દિવસમાં આસિસ્ટન્ટ રજિસ્ટારને જાણ કરાશે.

30 દિવસ સુધી વાંધા સૂચનો મોકલી શકાશે

આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે.

કયા પુરાવા આપવા પડશે

લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તાર (ગામ કે તાલુકા) માં જ નોંધવા જોઈએ.