Wed Jun 17 2026

Logo

ગુજરાતના કચ્છમાં વિવિધ અપમૃત્યુના બનાવમાં પાંચ લોકોના મોત

2026-02-20 16:15:00
Author: Chandrakant Kanoja
Article Image

ભુજ: ગુજરાતના  કચ્છમાં આપઘાત-અકસ્માતના બનેલા વિવિધ બનાવમાં એક પરિણીતા સહિત પાંચ લોકોના મોત થયા છે. જેમાં નખત્રાણા પંથકના મોટા અંગિયા ગામે રહેનારું દંપતી તેમના એક્ટિવા પર સવાર થઈને ભુજ આવવા નીકળ્યું હતું એ વેળાએ ભડલી પાસે પાછળ બેઠેલાં પત્ની મરીયમબેન અદ્રેમાન બકાલી (ઉ.વ. ૪૨) વાહન પરથી પડી જતાં માથામાં ગંભીર ઇજાના પગલે તેમનું મોત નીપજ્યું હતું. 

કંપનીમાં કામ કરતી વેળાએ છત પરથી પટકાતાં 24 વર્ષીય શ્રમિકનું મોત 

જયારે અન્ય અકસ્માતોમાં બંદરીય મુંદરાના નાના કપાયામાં હોટેલના હોજમાં અકસ્માતે ખાબકેલા મૂળ રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર કૈલાશ કહાર રામનિવાસ કહાર (ઉ.વ.૩૪)નું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું, જ્યારે અંજારના અજાપરમાં 24  વર્ષીય પરિણીતા પૂજાબેન દશરથ મોઢે તેમજ મુંદરાના શિરાચામાં પરપ્રાંતીય શ્રમજીવી એવા નીરજકુમાર ભગેન્દ્ર મહેતાએ ગળેફાંસા ખાઇ જીવ દીધો  હતો. ભચાઉના કુંજીસરની કંપનીમાં કામ કરતી વેળાએ છત પરથી પટકાતાં 24 વર્ષીય શ્રમિક શારુકીબે જીવ ખોયો હતો, જયારે ગાંધીધામના સેક્ટર-1માંથી હરેશ સોમા રાણા (ઉ.વ.૩૦)નું અપહરણ કરી જી.આઇ.ડી.સી.માં લઇ જઇ, બંધક બનાવીને તેને ઢોરમાર મારવામાં આવ્યો એ બાબતનું લાગી આવતાં હતભાગીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. 

ચાલુ વાહને પડી જતા મહિલાનું મોત 

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા અંગિયામાં રહેતા અદ્રેમાન ભચુ બકાલી અને તેમના પત્ની મરીયમબેન સવારના અરસામાં તેમની એક્ટિવા  લઇને ભુજ આવવા નીકળ્યા હતા. તેઓ ભડલી પાસે પહોંચ્યા ત્યારે એક્ટિવા પાછળ બેઠેલા મરીયમબેન કોઈ કારણોસર નીચે પડી જતાં તેમને માથાંમાં ગંભીર ઇજા પહોંચતાં ભુજમાં સારવાર નસીબ થાય તે પૂર્વે તેમણે દમ તોડી દીધો હતો.

કૈલાશ કહાર રામદેવ હોટેલના હોજમાં અકસ્માતે ડૂબી જતા મોત 

બીજો અપમૃત્યુનો બનાવ મુંદરાના નાના કપાયા ખાતે બનવા પામ્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના અજમેરના, હાલે નાના કપાયામાં સ્થિત રામદેવ હોટેલમાં ડ્રાઈવર તરીકે નોકરી કરનાર કૈલાશ કહાર રામદેવ હોટેલના હોજમાં અકસ્માતે ડૂબી જવાથી તેનું મોત થયાની વિગતો તેના નાના ભાઇ મહેશ કહારે પોલીસ મથકમાં જાહેર કરતાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

મુંદરા આપઘાત કેસમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

બીજી તરફ, કુંજીસરની કરમતારા નામની ખાનગી કંપનીમાં કામ કરનાર શારુકીબ નામનો યુવાન કંપનીની છત ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે તે નીચે પટકાતાં ગંભીર ઇજાઓનાં પગલે તેનું મોત થતાં પોલીસે છાનબીન આદરી છે. દરમ્યાન, મુંદરાના સિરાચામાં અદાણી લેબર કોલોનીમાં રહેતા નીરજકુમાર મહેતોએ ગત તા. 17-2-2026 ના રોજ અગમ્ય કારણોસર પંખામાં ગમછો બાંધીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો મુંદરા પોલીસમાં જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર પ્રકરણની અંજાર પોલીસે તપાસ હાથ ધરી

બીજો આપઘાતનો બનાવ અજાપર ગામમાં બન્યો હતો જેમાં અહીં બે સંતાન અને પતિ સાથે રહેનાર પૂજા નામની યુવાન પરિણીતા ગત તા.૧૫-૨ના રોજ પોતાના બે સંતાન સાથે ઘરેથી કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. ત્રણ દિવસ બાદ અચાનક ઘરે આવેલી આ મહિલાએ ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણી દીધો હતો. સમગ્ર પ્રકરણની અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે.

ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી લીધું

આ દરમ્યાન ગાંધીધામના શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી અક્ષય ટ્રેડિંગ નામની કંપનીમાં અગાઉ કામ કરનારા અને તાજેતરમાં ભગવતી રિ-પાવરિંગના વર્કશોપમાં નોકરીએ લાગેલા હરેશ સોમા રાણાને અક્ષય ટ્રેડિંગના અક્ષય શૈલેશ ગાંધી અને ધર્મેન્દ્ર નામના શખ્સો મોટરસાઈકલમાં બેસાડીને અક્ષય ટ્રેડિંગમાં લઇ ગયા હતા. અહીં તેને બંધક બનાવી, ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બનાવનું મનમાં લાગી આવવાથી કંટાળીને ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેમાં મરવા માટે મજબૂર કરનાર અક્ષય ગાંધી અને ધર્મેન્દ્ર સામે મરણ જનાર યુવકના મામા રમેશ સોમા પૂંજા માજીરાણાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.