વડોદરા: ગુજરાતમાં લોકોને ઝડપી સેવા મળી રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં દેશમાં ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવા વડોદરામાં સાંસદ ડો. હેમાંગભાઇ જોશીની એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ટેકનોલોજીથી સશક્ત જનસેવાનો વધુ એક મજબૂત પગલું… 🇮🇳
— Dr. Hemang Joshi (MP Vadodara) (@drhemangjoshimp) March 6, 2026
માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જી ના ડિજિટલ ઈન્ડિયા સંકલ્પ અને માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ જનસેવાને વધુ આધુનિક બનાવતી અનોખી પહેલ અંતર્ગત “અટલ સાંસદ જનસેવા કેન્દ્ર” ખાતે AI ટેકનોલોજીથી સજ્જ “MP… pic.twitter.com/Jt5aQiZyZh
સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર ઈ-પોર્ટલ તૈયાર
આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે. ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશમાં નાગરિકોને નાની નાની બાબતો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ ઈ-પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
સાંસદ સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માંગણી કરી શકશે
આ પોર્ટલના માધ્યમથી નાગરિકો સાંસદ સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માંગણી કરી શકશે, આગામી કાર્યક્રમો અને ઇવેન્ટ્સનું શેડ્યૂલ જાણી શકશે તેમજ એમપી લેડ્સ (MP-LADS) હેઠળના વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકશે. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ થશે.
સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે
આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા જ પોર્ટલ મારફતે પોતાની રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે, જેના પરિણામે સમય અને ખર્ચ બંનેની બચત થશે. લોકસભા સત્ર દરમિયાન સાંસદ દિલ્હી ખાતે હોય ત્યારે પણ નાગરિકોની રજૂઆતો સીધી પોર્ટલ મારફતે પ્રાપ્ત થઈ શકશે અને તેને ઇમેઇલ અથવા ટેલિફોનિક સંદેશ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપી શકાશે.
વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે
નાગરિકો 95127 69834 નંબર પર " Namaste" લખીને સંદેશ મોકલશે તો તરત જ એમપી ઓફિસ પોર્ટલનું મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થશે. આ મેનુ મારફતે સાંસદનો સંપર્ક, સોશિયલ મીડિયા લિંક્સ, અપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ, એમપી લેડ્સના કાર્યોની માહિતી સહિત વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે.
વડોદરા જિલ્લામાં ઈ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે
હાલમાં પોર્ટલ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ આગામી સમયમાં તેને ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પહેલ વડોદરા જિલ્લામાં ઈ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે અને નાગરિકો તથા જનપ્રતિનિધિઓ વચ્ચે ઝડપી અને પારદર્શક સંવાદ સુનિશ્ચિત કરશે.