Wed Jun 17 2026

Logo

સાયબર ફ્રોડ કેસમાં હાઇકોર્ટનો આદેશ, હવે સાયબર ફ્રોડ કેસમાં આખું બેંક એકાઉન્ટ ફ્રીઝ નહીં થાય!

2026-02-18 22:56:30
Author: Tejas
Article Image

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રક્રિયામાં થતી કથિત મનસ્વી કાર્યવાહી પર લાલ આંખ કરી છે. સાયબર ફ્રોડના બહાને સામાન્ય વેપારીઓ અને નિર્દોષ ખાતેદારોના આખેઆખા બેંક એકાઉન્ટ બ્લોક કરી દેવાની પોલીસની પદ્ધતિને અયોગ્ય ઠેરવતા કોર્ટે અત્યંત મહત્વનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ.આર. મેંગડેની કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તપાસના નામે કોઈની આજીવિકા છીનવી શકાય નહીં. આ ચુકાદાથી રાજ્યના હજારો એવા વેપારીઓને મોટી રાહત મળશે જેઓ અજાણતા સાયબર ક્રાઈમના પૈસા પોતાના ખાતામાં આવવાને કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

હાઇકોર્ટે આદેશમાં જણાવ્યું છે કે, સાયબર ફ્રોડના કિસ્સામાં જેટલી રકમ સાથે છેતરપિંડી થઈ હોય અથવા જેટલી રકમ વિવાદિત હોય, પોલીસ માત્ર તેટલી જ રકમ 'લીયન' રાખી શકે છે. બાકીની રકમનો ઉપયોગ કરવા માટે ખાતેદારને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડશે. આ કેસમાં એક મોબાઈલ શોપના વેપારીના ખાતામાં ગ્રાહકે આપેલા નાણાં ફ્રોડના હોવાની શંકાએ પોલીસે લાખો રૂપિયાની બેલેન્સ ધરાવતું આખું ખાતું ફ્રીઝ કર્યું હતું. કોર્ટે આ કાર્યવાહીને અયોગ્ય ઠેરવી, માત્ર શંકાસ્પદ 50 હજાર રૂપિયા અનામત રાખી બાકીનું ખાતું તાત્કાલિક કાર્યરત કરવા હુકમ કર્યો છે.

સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્યના ડીજીપી (DGP) અને આઇજીપી (IGP) દ્વારા 8 જુલાઈ, 2024ના રોજ બહાર પાડવામાં આવેલી ખાસ માર્ગદર્શિકાનો ઉલ્લેખ કર્યો હતો. આ ગાઈડલાઈન મુજબ, જો સાયબર ફ્રોડનો ગુનો 5 લાખ રૂપિયાથી ઓછી રકમનો હોય, તો પોલીસ પાસે આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાની કોઈ સત્તા નથી. હાઇકોર્ટે ટાંક્યું કે પોલીસ અધિકારીઓએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ જેથી નિર્દોષ નાગરિકોને બેંકિંગ વ્યવહારોમાં મુશ્કેલી ન પડે અને તેમના ધંધાકીય કામકાજ ઠપ ન થઈ જાય.

ઘણીવાર ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓને એ ખબર હોતી નથી કે ગ્રાહક કયા ખાતામાંથી પૈસા મોકલી રહ્યો છે. આવા કિસ્સામાં જો પોલીસ આખું ખાતું ફ્રીઝ કરે તો વેપારીની રોકડ રકમ બ્લોક થઈ જાય છે અને ઘર ચલાવવું પણ મુશ્કેલ બને છે. હાઇકોર્ટના આ તાજેતરના વલણથી હવે પોલીસ તપાસ અને સામાન્ય નાગરિકના હકો વચ્ચે સંતુલન જળવાશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તપાસ એજન્સીઓ રકમ સુરક્ષિત રાખી શકે છે, પરંતુ તેનાથી વ્યક્તિની આર્થિક સ્વતંત્રતા પર પૂર્ણ વિરામ ન મૂકવું જોઈએ.