Thu Jun 18 2026

Logo

સુરત અને રાજકોટના ઉદ્યોગો પર સરકાર 'મહેરબાન'! 2 વર્ષમાં મળી આટલા કરોડની વીજ શુલ્ક માફી

2026-03-10 16:57:05
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતી વિશેષ સવલતોના મુદ્દે સતત વિરોધ પક્ષ સતત આક્રમક બની રહ્યો છે. ત્યારે હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ગોપાલ ઇટાલિયા દ્વારા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ અને સુરત જિલ્લાના હજારો ઔદ્યોગિક એકમોને વીજ શુલ્કમાં કેટલી રાહત આપવામાં આવી તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

ગોપાલ ઇટાલિયાના પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં રાજકોટ અને સુરત જિલ્લાના હજારો ઔદ્યોગિક એકમોને વીજ શુલ્કમાં કરોડો રૂપિયાની માફી આપવામાં આવી છે. આ માફી મુખ્યત્વે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ ૧૯૫૮ અને ગુજરાત સેઝ એક્ટ-૨૦૦૪ની જોગવાઈઓ હેઠળ નિયત સમયગાળા માટે આપવામાં આવે છે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉદ્યોગોને આર્થિક રીતે સક્ષમ બનાવી ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે તેમ જણાવ્યું હતું. 

રાજકોટ જિલ્લાની વિગતો જોઈએ તો વર્ષ ૨૦૨૪માં ૧૫૦૪ ઔદ્યોગિક એકમને રૂ. 106.61 કરોડની વીજ શુલ્ક માફી આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 1571 એકમ થઈ હતી અને તેમને કુલ રૂ. 108.73 કરોડની રાહત મળી હતી. આમ, રાજકોટમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ઉદ્યોગોને અપાતી સહાયમાં ક્રમશઃ વધારો જોવા મળ્યો છે, જે ઔદ્યોગિક એકમોની સક્રિયતા સૂચવે છે.

સુરત જિલ્લામાં ઔદ્યોગિક એકમોની સંખ્યા અને માફીની રકમ રાજકોટ કરતા ઘણી વધારે નોંધાઈ છે. સુરતમાં વર્ષ 2024માં 7531 એકમને રૂ. 415.12 કરોડની માફી અપાઈ હતી, જ્યારે વર્ષ 2025માં આ આંકડો નોંધપાત્ર રીતે વધીને 10,724 એકમ અને રૂ. 478.35 કરોડની માફી સુધી પહોંચ્યો હતો. 
સુરત જિલ્લામાં માત્ર એક વર્ષમાં વીજ માફી મેળવતા એકમોની સંખ્યામાં 3000થી વધુનો વધારો થવો એ આ પ્રદેશમાં વધતા જતા ઔદ્યોગિકીકરણનો પુરાવો છે.