Wed Jun 17 2026

Logo

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજ્યના કાયદામાંથી ‘આતંકવાદ’ શબ્દ દૂર કરાશે

2026-02-14 13:50:00
Author: Tejas Rajpara
Article Image

અમદાવાદ: ગુજરાત સરકાર રાજ્યના કાયદાકીય માળખામાં એક અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આગામી વિધાનસભા સત્રમાં ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સુધારા) વિધેયક, 2026’ રજૂ કરશે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય 2015ના મૂળ કાયદાના વ્યાપને મર્યાદિત કરીને તેને માત્ર સંગઠિત ગુનાખોરી (Organised Crime) પર કેન્દ્રિત કરવાનો છે. આ નવા વિધેયક બાદ રાજ્યના કાયદામાંથી ‘આતંકવાદ’ અને ‘આતંકવાદી કૃત્યો’ જેવા શબ્દો સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે.

રાજ્ય સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ‘ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023’ છે. BNS એ જૂની ઇન્ડિયન પીનલ કોડ (IPC) નું સ્થાન લીધું છે અને તેમાં આતંકવાદી ગતિવિધિઓ રોકવા માટે પહેલેથી જ કડક જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે અનુભવ્યું કે જો રાજ્યના કાયદામાં પણ આતંકવાદ સંબંધિત કલમો રાખવામાં આવે, તો એક જ ગુના માટે બે અલગ-અલગ સ્તરે તપાસ (Duplication of Investigation) થવાની શક્યતા રહે છે. આથી, આતંકવાદના કેસો હવે રાષ્ટ્રીય કાયદા હેઠળ જ ચાલશે, જેથી કાયદાકીય પ્રક્રિયા વધુ સરળ બનશે.

આ પ્રસ્તાવિત કાયદા હેઠળ હવે એક્ટનું નામ બદલાઈને ‘ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ’ થઈ જશે. કાયદાની પ્રસ્તાવનામાંથી પણ આતંકવાદ વિરોધી વાક્યો દૂર કરવામાં આવશે. ખાસ કરીને કલમ 2 અને 3 માં જે આતંકવાદી કૃત્યોની વ્યાખ્યા અને તેની સજાની જોગવાઈઓ હતી, તેને રદ કરવાની દરખાસ્ત છે. આ ફેરફાર સ્પષ્ટ કરે છે કે હવે રાજ્ય સરકારની પ્રાથમિકતા સ્થાનિક સ્તરે ચાલતી ગુનાહિત ગેંગ અને સંગઠિત માફિયા તત્વોને નાથવાની રહેશે, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના કેસો કેન્દ્રીય માળખા હેઠળ રહેશે.

આ બિલ માત્ર આતંકવાદના મુદ્દે જ નહીં, પરંતુ ભારતના નવા ફોજદારી કાયદાઓ સાથે સુસંગત થવા માટે પણ લાવવામાં આવ્યું છે. જૂના અંગ્રેજ શાસન વખતની ફોજદારી કાર્યરીતિ સંહિતા (CrPC) ના સ્થાને હવે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023’ ના સંદર્ભો ઉમેરવામાં આવશે. તેવી જ રીતે ઇન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’ મુજબ પુરાવાઓની પ્રક્રિયા ચાલશે. આધુનિકીકરણના આ ભાગરૂપે મેજિસ્ટ્રેટની સત્તાઓ અને ન્યાયિક સંદર્ભોમાં પણ જરૂરી ટેકનિકલ સુધારાઓ કરવામાં આવ્યા છે.

ભલે આતંકવાદની કલમો હટાવવામાં આવી હોય, પરંતુ સંગઠિત ગુનાખોરી વિરુદ્ધના કડક પગલા ચાલુ રહેશે. ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી મિલકતોની જપ્તી અને ટાંચમાં લેવાની જોગવાઈઓ આ કાયદામાં અકબંધ રખાઈ છે. વધુમાં, જો કોઈ સરકારી કર્મચારી પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય, તો તેને પણ ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ ચાલુ રાખવામાં આવી છે. 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ સત્તાવાર હસ્તાક્ષર કરાયેલું આ બિલ ટૂંક સમયમાં ગેઝેટમાં પ્રસિદ્ધ થયા બાદ અમલી બનશે.