Fri Sep 04 2026

Logo

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની 'કથળતી' હાલત: હજારો બાળકો જોખમી શાળાઓમાં ભણવા મજબૂર

2026-02-19 17:12:56
Author: savan zalariya
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની 'કથળતી' હાલત: હજારો બાળકો જોખમી શાળાઓમાં ભણવા મજબૂર

1800થી વધુ શિક્ષકોની ઘટ અને જર્જરિત ઓરડાનો સરકારે કર્યો સ્વીકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:
ગુજરાત વિધાનસભામાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ અને જર્જરિત ઓરડાઓ અંગે ચોંકવાનારી માહિતી પ્રકાશમાં આવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટ તેમજ નવસારી અને ડાંગ જિલ્લામાં શાળાઓ જર્જરિત હાલતમાં હોવાનો સ્વીકાર કર્યો હતો. 

ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ૫૪૯ અને દાહોદ જિલ્લામાં ૧૨૮૪ મળીને કુલ ૧૮૩૩ શિક્ષકોની ઘટ નોંધાઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી અને અવસાન જેવા કારણોસર આ જગ્યાઓ ખાલી પડી છે. આથી હાલ આ જવાબદારી જ્ઞાનસહાયકથી ચાલતી હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. 

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં ચીખલી, જલાલપોર, અને ખેરગામ સહિતના તાલુકાઓમાં કુલ ૧૨ શાળાઓમાં જર્જરિત ઓરડા છે, જ્યારે ડાંગ જિલ્લામાં સુબીર અને વધઈ તાલુકામાં આવી ૫ શાળાઓ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ જોખમી શાળાઓમાં નવસારીના ૬૬૦ અને ડાંગના ૩૭૪ મળીને કુલ ૧૦૩૪ જેટલા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.

સરકારે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં ૧૧૪ શાળાઓના ઓરડાની મરામત કરવામાં આવી છે અને ૭૦ શાળાઓમાં નવા ઓરડા બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. તેવી જ રીતે, ડાંગ જિલ્લામાં ૧૪ શાળાઓમાં મરામત અને ૩૫ નવી શાળાઓમાં ઓરડા બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.