Tue Oct 06 2026

Logo

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 30.55 લાખ ખેડૂતને રૂ. 8,740 કરોડની સહાય કરાઈ

2026-02-27 18:56:39
Author: Pooja Shah
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 30.55 લાખ ખેડૂતને રૂ. 8,740 કરોડની સહાય કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઑક્ટોબર, નવેમ્બર મહિનામાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોનું પારાવાર નુકસા કર્યું હતું. આ સમયે સરકારે ખેડૂતોને મદદની જાહેરાત કરી હતી. આ અનુસંધાનમાં ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના ખેડૂતોને ચૂકવવામાં આવેલી સહાય અંગે માહિતી આપતા કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન સંદર્ભે રાજ્યભરમાંથી અંદાજે ૩૦.૭૧ લાખ જેટલા ખેડૂતે અરજી કરી હતી.

જેમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૩૦.૫૫ લાખ ખેડૂતને રૂ. ૮,૭૪૦ કરોડથી વધુની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે, જ્યારે બાકી રહેલી ટેકનિકલ ખામીવાળી અરજીઓની પૂર્તતા થતાં જ તેમને પણ તુરંત સહાયની ચૂકવણી કરવામાં આવશે. 

વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ સામે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે રૂ. ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે. વધુમાં, સામાન્ય રીતે નુકસાનીના આંકલનમાં મહિનાઓ નીકળી જતા હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં પંચરોજકામની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તેમજ અરજી કરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો જેથી કોઈ પણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત રહી જાય નહીં.

હેક્ટર દીઠ સહાય વિશે જણાવતા વાઘાણીએ કહ્યું હતું કે, ખરીફ ઋતુના વાવેતરમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે  એસડીઆરએના નોર્મ્સ મુજબ રૂ. ૮,૫૦૦ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ વધારાની રૂ. ૧૩,૫૦૦ એમ કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવી છે.

તેવી જ રીતે વર્ષાયુ-પિયત પાકોમાં એસડીઆરએફ ના રૂ. ૧૭,૦૦૦ તથા રાજ્ય બજેટ હેઠળ વધારાની રૂ. ૫,૦૦૦ એમ કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેકટર તેમજ બહુવર્ષાયુ પાકોમાં એસડીઆરએફ ના રૂ. ૨૨,૦૦૦ની સહાય પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.