અમદાવાદઃ ખાનપાન અને લાઈફસ્ટાઈલમાં આવેલા બદલાવના કારણે ગુજરાત દેશમાં ડાયાબિટીસના કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે. ભારતમાં અને કેટલાક વૈશ્વિક માર્કેટમાં પેટન્ટની મુદત પૂર્ણ થયા બાદ સેમાગ્લુટાઈડ આધારિત સસ્તા વિકલ્પો બજારમાં આવવાના કારણે ગુજરાતમાં એપ્રિલ 2026માં ડાયાબિટીસીની દવાઓના વેચાણમાં અત્યાર સુધીનો સૌથી મોટો માસિક ઉછાળો નોંધાયો છે. આ બજાર વાર્ષિક ધોરણે 30 ટકા વધીને 118 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
શરૂઆતમાં મુખ્યત્વે ડાયાબિટીસની સારવાર માટે અપાતી દવાઓ હવે નિષ્ણાતોની દેખરેખ હેઠળ સીધી પીસીઓએસ અને મેદસ્વીતા સંબંધિત હોર્મોનેલ સમસ્યાઓ ધરાવતી મહિલાઓ સહિત અન્ય મેડિકલ શાખાઓમાં પણ વધુને વધુ ભલામણ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટીસ અને વજન ઘટાડવાની દવામાં મુખ્ય ઘટક તરીકે વપરાતા સેમાગ્લુટાઈડની પેટન્ટ મુખ્ય બજારોમાં સમાપ્ત થતાં આ ઉછાળો આવ્યો છે, જેનાથી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે ઓછી કિંમતની દવા (જેનરિક દવાઓ) બજારમાં લાવવાનો માર્ગ મોકળો થયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એન્ટી-ડાયાબિટીક થેરાપીમાં વૃદ્ધિ સ્પષ્ટપણે સેમાગ્લુટાઈડના વધુ વપરાશ સાથે જોડાયેલી છે. અગાઉ ખૂબ ઊંચી કિંમતોને કારણે આ દવાઓ મર્યાદિત દર્દીઓ સુધી જ પહોંચતી હતી. જેનરિક દવાઓની વ્યાપક ઉપલબ્ધતાને લીધે દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ બાબત માત્ર ડાયાબિટીસના સંચાલન પૂરતી મર્યાદિત નથી, પરંતુ વજન ઘટાડવાની થેરાપી અને મેદસ્વીતા સંબંધિત સમસ્યાઓ સુધી વિસ્તરી છે. સેમાગ્લુટાઈડ ભૂખને નિયંત્રિત કરીને અને ભૂખ લગાડતા હોર્મોનને દબાવીને કામ કરે છે, જેના કારણે મેદસ્વીતા અને સંબંધિત લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરનો સામનો કરી રહેલા દર્દીઓમાં તેની માંગ ઝડપથી વધી છે. હવે તો ગાયનેકોલોજિસ્ટ્સ પણ પીસીઓએસ જેવી સમસ્યાઓ ધરાવતી દર્દીઓને નિષ્ણાતોની સલાહ લેવાનું કહી રહ્યા છે, જ્યાં મેદસ્વીતા અને એન્ડોક્રાઈન અસંતુલન મુખ્ય ચિંતાનો વિષય હોય છે.
સૂત્રો મુજબ ગાયનેકોલોજિસ્ટ્સ સીધા સેમાગ્લુટાઈડ પ્રિસ્ક્રાઇબ કરવા માટે અધિકૃત નથી. જોકે, પીસીઓએસ જેવી સ્થિતિઓ ઘણીવાર એન્ડોક્રાઈન અસંતુલન અને મેદસ્વીતા સાથે જોડાયેલી હોય છે. આવા કિસ્સાઓમાં, દર્દીઓને આ થેરાપીઓની યોગ્યતા ચકાસવા માટે એન્ડોક્રિનોલોજિસ્ટની સલાહ લેવા કહેવામાં આવે છે. મેદસ્વીતા ઘણી ક્રોનિક લાઈફસ્ટાઈલ બીમારીઓ સાથે જોડાયેલી હોવાથી, સેમાગ્લુટાઈડ ચોક્કસ દર્દીઓને ફાયદો કરાવી શકે છે.
તબીબી વ્યાવસાયિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં સેમાગ્લુટાઈડ કમ્પાઉન્ડના પ્રિસ્ક્રિપ્શનમાં તીવ્ર વધારો થયો છે. અગાઉ ઊંચી કિંમત અને મર્યાદિત ઉપલબ્ધતાને કારણે 50 માંથી માંડ 3 થી 4 દર્દીઓને સેમાગ્લુટાઈડ કમ્પાઉન્ડ લખી આપવામાં આવતા હતા. આજે દર 50 માંથી લગભગ 10 થી 15 દર્દીઓને આ દવા સૂચવવામાં આવી રહી છે. ડૉકટરોના મતે, હાલમાં બજારમાં ઉપલબ્ધ ભારતીય વિકલ્પોએ અત્યાર સુધી પ્રોત્સાહક પરિણામો દર્શાવ્યા છે.
સૂત્રો મુજબ, ગુજરાત અને દેશભરમાં લાઈફસ્ટાઈલ સંબંધિત રોગોના વધતા પ્રમાણને જોતાં મને આ ટ્રેન્ડ ચાલુ રહેવાની અપેક્ષા છે. દર્દીઓને GLP-1 થેરાપી આપવા માટે બે અલગ-અલગ કેટેગરી છે, જે વેચાણમાં થયેલા આ ઉછાળાને સ્પષ્ટ કરે છે. પ્રથમ કેટેગરીમાં ટાઇપ-1 ડાયાબિટીસ અને મેદસ્વીતા ધરાવતા દર્દીઓનો સમાવેશ થાય છે, જેમણે સુગરના અચાનક વધારાને કારણે તબિયત બગડતી અટકાવવા વજન ઘટાડવાની જરૂર હોય છે. તેમને લાંબા ગાળાના વજન નિયંત્રણમાં રાખવાની જરૂર પડે છે. બીજી કેટેગરીમાં પ્રમાણમાં નાની ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ ચોક્કસ વજન ઘટાડવાનું લક્ષ્ય રાખે છે, તેઓ મેદસ્વીતાની સમસ્યા ધરાવે છે, પરંતુ તેમનો ધ્યેય માત્ર થોડા કિલો વજન ઘટાડવાનો હોય છે. આ બંને જૂથોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.