ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં કુલ 629 ગુનાઓ નોંધી 1810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આશરે 54,000 કિલો ગૌમાંસ અને 1800 ગૌવંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 433 વાહનો જપ્ત કરી તે પૈકી 339 વાહનોની હરાજી પણ કરવામાં આવી છે. ગૌવંશ હેરફેર કરતા તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં તરીકે 184 ઇસમો વિરુદ્ધ પાસા (PASA) અને 50 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરાઈ છે. રાજ્યમાં આશરે 6 કરોડ રૂપિયાની 39 મિલકતો પર 'દાદાનું બુલડોઝર' ફેરવી દેવામાં આવ્યું છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરી
મંત્રીએ જણાવ્યું હતું કે, ગાય એ આપણી સંસ્કૃતિમાં માત્ર પશુ નથી, પરંતુ માતા સમાન પૂજનીય છે, જેમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. રાજ્ય સરકાર આવા ગુનાઓમાં કડકમાં કડક સજા અપાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરી રહી છે, જેથી આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં ન આવે.
ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા
ગૌવંશ સંરક્ષણના કાયદા હેઠળ અમરેલી જિલ્લામાં થયેલી કડક કાર્યવાહી અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ 12 ગુનાઓમાં 21 આરોપીઓને જેલની સજા અને રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ૩ આરોપીઓને આજીવન કેદ, 11 આરોપીઓને 10 વર્ષની કેદ અને ૩ આરોપીઓને 07 વર્ષની કેદની સજા કરવામાં આવી છે. તદુપરાંત, આ આરોપીઓ પાસેથી કુલ રૂ. 42 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લામાં કુલ 13 વાહનો પણ જપ્ત
મહીસાગર જિલ્લામાં પોલીસની સતર્કતા અંગે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 8 ગુનાઓ દાખલ કરી 1940 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન 10 જેટલા ગૌવંશને બચાવી લેવાયા છે અને 28 આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. તદુપરાંત, મહીસાગર જિલ્લામાં કુલ 13 વાહનો પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.