Wed Jun 17 2026

Logo

ગુજરાતના બજેટમાં નર્મદા યોજના માટે 3043 કરોડ અને MSME માટે રૂપિયા 1775 કરોડની જોગવાઈ...

2026-02-18 21:31:42
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારે આર્થિક ગતિશીલતાને વેગ આપવા માટેનું બજેટ રજૂ કર્યું છે. જેમાં બજેટમાં MSME અને નર્મદા યોજના માટે પણ અલાયદું બજેટ ફાળવવામાં આવ્યું છે.  જેમાં નર્મદા જળ પરિયોજના માટે 3043 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. 

સુજલામ સુફલામ યોજના માટે  રૂપિયા 1,237 કરોડની જોગવાઇ 

નર્મદાના પાણીને અન્ય  વિસ્તારોમાં પહોંચાડવા માટે સરકારે  રૂપિયા 3,043 કરોડનું બજેટ ફાળવ્યું છે. આમાં સુજલામ સુફલામ પાઇપલાઇન માટે  રૂપિયા 1,237 કરોડ, સૌની પ્રોજેક્ટ માટે  રૂપિયા 473 કરોડ અને કચ્છ પ્રોજેક્ટ માટે  રૂપિયા 1,333 કરોડનો સમાવેશ થાય છે. અમદાવાદના નળકાંઠા ક્ષેત્રના દૂરના ગામડાઓમાં સિંચાઈ સુવિધાઓના બીજા તબક્કા માટે પણ  રૂપિયા 958 કરોડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.ગૌ માતા પોષણ યોજના માટે ₹500 કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

MSME માટે રૂપિયા 1775 કરોડની જોગવાઈ 

આ ઉપરાંત 29  લાખથી વધુ MSME નોંધણીઓ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર છે. આ એકમોને પ્રોત્સાહન આપવા માટે 'આત્મનિર્ભર ગુજરાત યોજના' હેઠળ કુલ  રૂપિયા 1775 કરોડના ભંડોળનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આદિવાસી વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવા માટે દાહોદમાં ઝાલોદ અને ગરબાડા સહિત પાંચ નવા GIDC ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવશે. આ પહેલ રાજ્યના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપશે.

ગ્રામીણ રોજગારને વેગ આપવા  ₹1,500 કરોડ ફાળવવામાં આવ્યા

જ્યારે ગ્રામીણ રોજગારને વેગ આપવા માટે, VBGRAMG યોજના હેઠળ કાર્યકારી દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 કરવામાં આવી છે, જેના માટે ₹1,500 કરોડ ફાળવવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રના મોટા પરિવર્તનમાં, છોકરાઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે.આ ઉપરાંત, ગાંધીનગરમાં આધુનિક 'નમો સેન્ટ્રલ લાઇબ્રેરી'ની સ્થાપના અને આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો સહિત મુખ્ય પહેલ કરવામાં આવી છે.

આદિવાસી વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીઓ બનાવાશે 

રાજ્ય સરકારે યુવા કૌશલ્ય વિકાસ અને શિક્ષણમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. દેશની સૌથી આધુનિક અને ડિજિટલ "નમો સેન્ટ્રલ લાઇબ્રેરી" ગાંધીનગરમાં રૂપિયા 100 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. વધુમાં, આદિવાસી વિસ્તારોના 15 તાલુકાઓમાં "ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીઓ" સ્થાપિત કરવામાં આવશે. યુવાનોને રોજગાર માટે તૈયાર કરવા માટે, તાલીમાર્થીઓને હવે "મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના" હેઠળ રૂપિયા 3,000 ની માસિક સહાય મળશે, જેના માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.