Thu Jun 18 2026

Logo

રાજ્યમાં એસ ટી બસ ખરીદવા છેલ્લા બે વર્ષમાં 1400 કરોડથી વધુની સહાય, વિધાનસભામાં જાહેર થયો આંકડો

2026-03-09 13:54:00
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદના નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ દ્વારા નવી બસો ખરીદવા એસ ટી નિગમને સહાયનો પ્રશ્ન પૂછ્યો હતો.

શું પૂછ્યું જીતેન્દ્ર પટેલે

જીતેન્દ્ર પટેલે વિધાનસભામાં પૂછ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને નવી બસો ખરીદવા સહાય આપવામાં આવે છે કે કેમ અને જો હા તો 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલી સહાય આપવામાં આવી.

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, એસ ટી નિગમને રાજ્ય સરકાર દ્વારા નવી બસો ખરીદવા મુડીકૃત સહાય આપવામાં આવે છે. 01-01-2024થી 31-12-2024 સુધી 735.88 કરોડ અને 01-01-2025થી 31-12-2025 સુધી 710 કરોડ મળી કુલ બે વર્ષમાં 1445.88 કરોડ સહાય ચુકવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,  ગુજરાતના ખૂણેખૂણે, નાનામાં નાના ગામડાથી લઈને મોટા શહેરો સુધી એસ.ટી. બસ પહોંચે છે. રાજ્યમાં કુલ 16 ડિવિઝન અને 125 થી વધુ ડેપો કાર્યરત છે.  નિગમ પાસે અંદાજે 8,000 થી વધુ બસોનું કાફલો છે, જે દરરોજ લાખો કિલોમીટરનું અંતર કાપે છે.

મુસાફરોની સગવડ મુજબ વોલ્વો અને એસી સ્લીપર, ગુર્જર નગરી, સ્લીપર કોચ, મિની બસ, લોકલ એમ અલગ-અલગ શ્રેણીની બસો દોડાવવામાં આવે છે. અમદાવાદ (ગીતામંદિર), વડોદરા અને સુરત જેવા શહેરોમાં એરપોર્ટ જેવા અત્યાધુનિક 'બસ પોર્ટ' બનાવવામાં આવ્યા છે. ઉપરાંત એસ ટી નિગમ દ્વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી કિંમતે પાસ આપવામાં આવે છે.  તહેવારો પર વિશેષ છૂટછાટ અને કેટલીકવાર ફ્રી મુસાફરીની સુવિધા મળે છે અને  વરિષ્ઠ નાગરિકોને ટિકિટના દરમાં રાહત આપવામાં આવે છે.