Tue Aug 25 2026

Logo

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5.83 લાખ યુવાનોને રોજગારી મળી, કુંવરજી બાવળીયાએ આપી વિગતો

2026-02-28 11:39:00
Author: Vimal Prajapati
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5.83 લાખ યુવાનોને રોજગારી મળી, કુંવરજી બાવળીયાએ આપી વિગતો

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા યુવાનોને રોજગારી મળી? તે અંગે  કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો છે. કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓમાં 6,92,621 ઉમેદવારોની નોંધણી કરાવી હતી. આ સંખ્યામાં 6,28,729 ઉમેદવારો શિક્ષિત અને 63,892 અર્ધશિક્ષિત હોવાનું પણ પ્રધાને જણાવ્યું હતું.

બે વર્ષમાં 5,83,495 યુવાનોને રોજગારી આપવામાં આવી

6,92,621 ઉમેદવારોમાંથી કુલ 5,83,495 યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક રોજગારી પૂરી આપવામાં આવી હોવાનું  કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે. કહ્યું કે, રોજગાર વિનિમય કચેરીઓ માત્ર બેરોજગારો માટે જ નહીં, પરંતુ ઉચ્ચ અભ્યાસ અને સારી કારકિર્દીના માર્ગદર્શન માટે પણ યુવાનો માટે એક મહત્વનું કેન્દ્ર બની છે. જેના પરિણામે રાજ્યના યુવાનોને રોજગારી મળી રહી છે. મહત્વની વાત એ છે કે, આ તમામ નોકરીઓ મુખ્યત્વે મેન્યુફેક્ચરીગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, IT, બેંકિંગ અને વીમા ક્ષેત્ર જેવા ખાનગી એકમોમાંથી આપવામાં આવી છે. 

 

કુંવરજીભાઈ બાવળીયાએ વધુમાં જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રની સાથે સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી નિયમિત અને પારદર્શક રીતે સરકારી ભરતીઓ પણ કરવામાં આવી રહી છે. આ સાથે ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે 'અનુબંધમ' વેબ પોર્ટલ દ્વારા હવે નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ સીધા એકબીજાના સંપર્કમાં આવી શકે છે. યુવાનો નોકરી-રોજગાર મળી રહે તે માટે સરકાર દ્વાર સતત પ્રયત્નો કરવામાં આવે છે તેવુ કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.