અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં જીએસટી નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. જીએસટી પોર્ટલના ડેટા અનુસાર, રાજ્યમાં 31 ઓક્ટોબર, 2025 અને 28 ફેબ્રુઆરી, 2026 વચ્ચે 57,018 નવા જીએસટી રજિસ્ટ્રેશન ઉમેરાયા છે, જેનાથી ટેક્સ પેયર્સની કુલ સંખ્યા 13,25,324 થી વધીને 13,82,341 થઈ હોવાનું જણાઈ આવે છે.
જોકે માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં પાંચ લાખનો વધારો જોવા મળ્યો છે. આ વધારાનું મુખ્ય કારણે જીએસટી રજિસ્ટ્રેશનમાં જોવા મળતી સરળતા હોવાનું નિષ્ણાતો જણાવે છે.ચ ગયા વર્ષથી જીએસટીની જટિલ પ્રક્રિયાને પ્રમાણમાં સરળ કરવામાં આવી હતી. માત્ર ત્રણ દિવસમાં એસએમએસ-બેઝ્ડ રજિસ્ટ્રેશન થઈ શકે છે અને સાથે ઓછા દસ્તાવેજો રજૂ કરવાના હોવાથી અરજદારો ઉત્સાહ બતાવી રહ્યા હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે.
આ ઉપરાંત નવેમ્બર 2025 માં રજૂ કરાયેલા નાના અને ઓછા જોખમવાળા વ્યવસાયો માટે રૂ. 25 લાખની નોંધણી મર્યાદામાં ઘટાડો થયો છે. આ પગલાથી મોટી સંખ્યામાં નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેક્સ સિસ્ટમમાં ઔપચારિક રીતે જોડવાનું શક્ય બન્યું છે.
ઈ-ઈનવોઈસિંગ અને ઈ-વે બિલ ઈન્ટીગ્રેશન અપનાવવાથી વહીવટી પ્રક્રિયાઓ પણ સુવ્યવસ્થિત થઈ છે, આ પણ એક કારણ હોવાનું નિષ્ણાતો જણાવે છે. આ સાથે વધતું જતું ઈમ્પોર્ટ અને ઈ-કોમર્સ એક્ટિવિટી પણ આ માટે જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવે છે.