Fri Sep 04 2026

Logo

શિવરાત્રી મેળામાં ગત વર્ષ કરતાં ઓછી ટ્રિપ છતાં રાજકોટ ડેપો કમાણીમાં મોખરે, જાણો કયા ડેપોને કેટલી થઈ આવક...

2026-02-16 19:04:00
Author: Devayat Khatana
શિવરાત્રી મેળામાં ગત વર્ષ કરતાં ઓછી ટ્રિપ છતાં રાજકોટ ડેપો કમાણીમાં મોખરે, જાણો કયા ડેપોને કેટલી થઈ આવક...

રાજકોટ: મહાશિવરાત્રિની મધરાત્રીએ ભવનાથમાં મૃગી કુંડના પવિત્ર સ્નાન સાથે મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ હતી. રાજ્ય સરકારે આ વર્ષના મહાશિવરાત્રિના મેળાને ભવ્ય બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. શિવરાત્રી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાસ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. 

તારીખ 11/02/2026 થી 15/02/2026 દરમિયાન કરવામાં આવેલા આ સંચાલનમાં રાજકોટ વિભાગના વિવિધ ડેપો દ્વારા કુલ 119 ટ્રીપ કરવામાં આવી હતી, જેના થકી નિગમને કુલ રૂ. 5.73 લાખની આવક થઈ હતી. આ પાંચ દિવસીય ગાળામાં કુલ 4,583 મુસાફરોએ એક્સ્ટ્રા બસોનો લાભ લીધો હતો, જેમાં બસો દ્વારા કુલ 13,218 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું.

વિગતો પર નજર કરીએ તો, રાજકોટ ડેપો સૌથી વધુ આવક મેળવવામાં મોખરે રહ્યો હતો. રાજકોટ ડેપો દ્વારા સૌથી વધુ 45 ટ્રીપના સંચાલન દ્વારા રૂ. 2,34,392 ની આવક મેળવવામાં આવી હતી, જેમાં 1,644 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. આ ઉપરાંત જસદણ ડેપો દ્વારા 30 ટ્રીપ થકી રૂ. 1,11,099 અને ગોંડલ ડેપો દ્વારા 24 ટ્રીપ થકી રૂ. 1,09,946 ની આવક પ્રાપ્ત થઈ હતી. 

તે ઉપરાંત વાંકાનેર ડેપો દ્વારા 12 ટ્રીપ થકી રૂ. 65,423, સુરેન્દ્રનગર ડેપોને 6 ટ્રીપ દ્વારા રૂ. 37,085, અને ચોટીલા ડેપો દ્વારા 2 ટ્રીપ દ્વારા રૂ. 16,000ની આવક થઈ હતી.  શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને વધારાની બસો દોડાવી હતી, જેના કારણે શિવરાત્રીના પર્વ પર મુસાફરોને પરિવહન ક્ષેત્રે મોટી રાહત મળી હતી. જો કે ગત વર્ષે એક્સ્ટ્રા 142 ટ્રિપ થકી રૂ.6.50 લાખની આવક કરી હતી. વર્ષ 2025 માં 142 ટ્રિપ હતી, જે 2026 માં ઘટીને 119 થઈ છે, એટલે કે કુલ 23 ટ્રિપનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2025ની આવકની સરખામણીએ  આશરે રૂ. 77,000 જેટલી આવક ઓછી થઈ હતી.