Sun Aug 23 2026

Logo

સાયબર ઠગોની હવે ખેર નથી! સરકારે વોટ્સએપને ડિવાઇસ IDs બ્લોક કરવાનો આપ્યો આદેશ

2026-03-21 10:58:00
Author: Mumbai samachar Team
Article Image

નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા 'ડિજિટલ અરેસ્ટ' સ્કેમને ડામવા માટે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ગૃહ મંત્રાલય હેઠળની સાયબર વિંગ 'I4C' (ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર) ના રિપોર્ટને આધારે વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સને ઠગાઈ માટે વપરાતા ડિવાઇસ IDs બ્લોક કરવા માટે આદેશ અપાયા છે. સાયબર ગુનેગારો અવારનવાર નવા એકાઉન્ટ બનાવીને લોકોને શિકાર બનાવતા હોવાથી, હવે એકાઉન્ટને બદલે સીધા મોબાઈલ ડિવાઇસ લેવલ પર જ પ્રતિબંધ મૂકવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.

શું છે આ 'ડિવાઇસ ID' અને તે કેવી રીતે કામ કરશે?
જેમ દરેક ભારતીયની ઓળખ માટે આધાર કાર્ડ છે, તેમ દરેક ડિજિટલ ગેજેટની પોતાની એક યુનિક ઓળખ હોય છે, જેને ડિવાઈસ ID કહેવામાં આવે છે. તેમાં મોબાઈલ નેટવર્ક માટેનો IMEI નંબર, વાઈફાઈ માટેનો MAC એડ્રેસ અને કંપની દ્વારા અપાતો સીરીયલ નંબર સામેલ હોય છે. સરકાર હવે આ યુનિક આઈડીને જ ટાર્ગેટ કરી રહી છે. એક વખત આ આઈડી બ્લોક થઈ ગયા પછી, સ્કેમર્સ તે જ મોબાઈલ કે લેપટોપથી વોટ્સએપ કે અન્ય કોઈ એપ દ્વારા નવો ગુનો આચરી શકશે નહીં. ઉપરાંત, તપાસ એજન્સીઓને મદદ મળે તે માટે ડિલીટ થયેલા એકાઉન્ટનો ડેટા 180 દિવસ સુધી સાચવી રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. 

ડિજિટલ અરેસ્ટ: ડરાવીને લૂંટવાની આધુનિક રીત
'ડિજિટલ અરેસ્ટ' એ એક ભયાનક માનસિક છેતરપિંડી છે, જેમાં ગુનેગારો પોલીસ, CBI કે કસ્ટમ ઓફિસર બનીને વીડિયો કોલ કરે છે. તેઓ પીડિતને કોઈ ગેરકાયદેસર પાર્સલ કે ગુનામાં સંડોવાયેલા હોવાનું કહીને ડરાવે છે અને 'ડિજિટલ તપાસ' ના નામે તેને કલાકો સુધી કેમેરા સામે બેસી રહેવા મજબૂર કરે છે. ધરપકડની ધમકી આપીને છેવટે કેસ પતાવવા માટે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવે છે. લોકોને એ સમજવું જરૂરી છે કે કાયદાકીય રીતે 'ઓનલાઇન ધરપકડ' જેવી કોઈ જોગવાઈ ભારત સરકારના નિયમોમાં નથી.

તમારી સાવચેતી જ તમારું રક્ષણ છે
સાયબર ઠગોથી બચવા માટે કેટલીક પાયાની બાબતો યાદ રાખવી જરૂરી છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલથી ગભરાવું નહીં અને કોઈની પણ સાથે બેંક વિગતો, OTP કે અંગત માહિતી શેર કરવી નહીં. જો કોઈ તમને વીડિયો કોલ પર ધમકાવે, તો તાત્કાલિક કોલ કાપીને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત, ભારત સરકારના 'સંચાર સાથી' પોર્ટલ અથવા હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર જઈને પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. યાદ રાખો, સાચી પોલીસ ક્યારેય વોટ્સએપ પર તપાસ કે પૈસાની લેવડદેવડ કરતી નથી.