Mon Sep 14 2026

Logo

ગોરેગામના મૃણાલગોરે બ્રિજના ખર્ચમાં થયેલા વધારા સામે નગરસેવકોને શંકા

2026-03-19 09:34:00
Author: Sapna Desai
ગોરેગામના મૃણાલગોરે બ્રિજના ખર્ચમાં થયેલા વધારા સામે નગરસેવકોને શંકા

 

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં મૃણાલતાઈ ગોરે બ્રિજના વિસ્તારમાં છેલ્લાં સાત વર્ષમાં ત્રીજી વખત ખર્ચમાં વધારો થયો છે, જેમાં કુલ ૩૮.૩૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જેની સામે સ્થાયી સમિતિના સભ્યોએ શંકા વ્યક્ત કરી હતી. અનિયમિતતાની શંકા વ્યક્ત કરતા સભ્યોએ સલાહકાર અને કૉન્ટ્રેક્ટરની ભૂૂમિકા પર ચિંતા વ્યક્ત કરી હતી. સ્થાયી સમિતિએ વારંવાર ખર્ચમાં વધારા પાછળનાં કારણો સમજવા માટે એન્જિનિયર અને ક્ધસલ્ટન્ટ સાથે સ્થળની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. આ પ્રસ્તાવ પરનો નિર્ણય આગામી બેઠક સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.

બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ આ પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો, જયાં શિવસેના (યુબીટી)ના નગરસેવક યશોધરણ ફણસેના બ્રિજના કામના સ્થળનું ઈન્સ્પેકશન કરવાની માગણી કરી હતી. તેમ જ કામમાં થયેલા વિલંબ બાબતે પણ સવાલ કર્યો હતો અને મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવરનું વિસ્તારીકરણ સાત વર્ષથી કેમ લંબાયું તે બાબતે સવાલ પણ કર્યો હતો. 
ભાજપના નગરસેવક પ્રીતિ સાટમે પણ કામમાં થયેલા વિલંબ અને ખર્ચમાં થયેલા વધારા બાબતે ક્ધસલટન્ટ અને કૉન્ટ્રેક્ટર વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો.

સભાગૃહ નેતા ગણેશ ખાનકરે કહ્યું હતું કે આ બ્રિજના પ્રોજેક્ટ ખર્ચમાં થયેલા વધારા પાછળ શું કારણ છે તે જાણવા માટે એન્જિનિયર અને ક્ધસલ્ટન્ટને સાઈટ પર બોલાવવા જોઈએ. કૉંગ્રેસે  પણ વિસ્તરણના કામમાં થયેલા સાત વર્ષના વિલંબ બાદ પણ કૉન્ટ્રેક્ટરને દંડ કેમ ન ફટકાર્યો એવો સવાલ કર્યો હતો. તેમ જ રિસર્ફેસિંગ અને નોઈસ બેરિયર માટે ફાળવવામાં આવેલા ૧૫ કરોડ રૂપિયા સામે પણ સવાલ કર્યો હતો. 

સ્થાયી સમિતિ અધ્યક્ષે સમિતિના તમામ સભ્યો ગોરેગામ બ્રિજના સ્થળની મુલાકાત લેશે અને ત્યાં સુધી પ્રસ્તાવ મુલતવી રાખવાનો પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો.
રામમંદિર રોડથી રિલીફ રોડ સુધીના એસ.વી.રોડ સુધીના વિસ્તારીત બ્રિજના બાંધકામ માટેનો કૉન્ટ્રેક્ટ શરૂઆતમાં વિવિધ કરવેરા સહિત ૨૦૯.૬૪ કરોડ રૂપિયામાં મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે પ્રોજેક્ટ ખર્ચ હવે ૩૮.૩૩ કરોડથી વધીને તેનો કુલ ખર્ચ ૨૪૭.૯૭ કરોડ રૂપિયા થઈ ગયો છે.