મુંબઈ: ગોરેગાંવના દિંડોશી વિસ્તારમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન પર અતિક્રમણ કરી બાંધેલા શહેનશાહ-એ-પીર બાબા દરગાહના માળખાને કોર્ટના આદેશ બાદ આજે તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિવાદિત સ્થળ તરફ જતો માર્ગ પણ બેરિકેડ લગાવીને બંધ કરવામાં આવ્યો છે અને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સ્થળ પર તૈનાત જોવા મળ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ડિમોલિશનની કામગીરી કરાઈ હતી. આ અગાઉ ગયા મહિને બીજી જૂને પણ મુંબઈની આરે કોલોનીમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે એક સૂફી દરગાહને તોડી પાડવામાં આવી હતી.
ગોરેગાંવ ઈસ્ટની આરે કોલોનીના યુનિટ 32માં આવેલી હઝરત સૈયદ પીર બાબા દરગાહ સ્થાનિકો માટે દાયકાઓથી જાણીતી હતી. આ માળખાને બુલડોઝર અને જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી અંગે એઆઈએમઆઈએમના નેતા વારિસ પઠાણે વાંધો વ્યક્ત કરતાં દાવો કર્યો હતો કે દરગાહના ટ્રસ્ટીઓએ ડિમોલિશન રોકવા માટે કોર્ટમાં તાત્કાલિક અરજી કરી હતી અને કેસની સુનાવણી દિંડોશી કોર્ટમાં બપોરે 2 વાગ્યે થવાની હતી.
તેમનો આરોપ હતો કે સુનાવણી પહેલાં જ સવારે 9 વાગ્યે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દીધી. પઠાણે કહ્યું હતું કે મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં ટ્રસ્ટીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી ન હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈને પણ તે વિસ્તારમાં પ્રવેશ અપાયો ન હતો.
અહેવાલો અનુસાર, આરે પોલીસ સ્ટેશનથી આશરે 400 મીટરના અંતરે આવેલી આ દરગાહ અગાઉ પણ વિવાદમાં રહી હતી અને અગાઉ ડિમોલિશન બાદ તેનું પુનઃનિર્માણ કરી વિસ્તરણ કરવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
(પીટીઆઈ)