Fri Aug 28 2026

Logo

નવ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરનારી મહિલાને રહેવાસીઓએ પકડી પાડી...

2026-03-24 08:41:00
Author: Yogesh C. Patel
નવ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરનારી મહિલાને રહેવાસીઓએ પકડી પાડી...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં નવ વર્ષની બાળકીનો પીછો કરી તેના અપહરણનો કથિત પ્રયાસ કરનારી મહિલાને રહેવાસીઓએ પકડી પાડી હતી.બાંગુર નગર પોલીસે તાબામાં લીધેલી મહિલાની ઓળખ ચંદાબેન વાઘરી (50) તરીકે થઈ હતી. આરોપી પહેલાં ભીખ માગવાને બહાને બાળકીના ઘરે ગઈ હતી અને પછી બાળકીના અપહરણનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. બાળકીની માતાની ફરિયાદને આધારે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીએ તેની નવ વર્ષની પુત્રીને બાજુની ચાલીમાં રહેતી બહેનપણીને ખીર આપવા મોકલી હતી. જોકે બાળકી માતાની બહેનપણીનું ઘર ભૂલી ગઈ હતી. થોડી મિનિટ પછી એક રહેવાસીએ ફરિયાદીને કૉલ કરીને બાળકી રડી રહી છે અને એક મહિલા તેને પોતાની સાથે લઈ જતી પકડાઈ હોવાની જાણ કરી હતી.તરત જ ફરિયાદી બહેનપણીની ચાલીમાં પહોંચી ત્યારે ચંદાબેનને ઘેરીને રહેવાસીઓ ઊભા હતા. તે જ સમયે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાને તાબામાં લઈ પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે આરોપી મહિલા સવારે ફરિયાદીને ઘેર ભીખ માગવા ગઈ હતી. પછી બાળકી ખીર આપવા જઈ રહી હતી ત્યારે મહિલાએ તેનો પીછો કર્યો હતો. ત્યાર બાદ નાસ્તો અપાવવાને બહાને બાળકીનો હાથ પકડી મહિલા પોતાની સાથે લઈ જઈ રહી હતી ત્યારે રહેવાસીની નજર તેના પર પડી હતી.