શૅરબજાર જોરમાં હોય ત્યારે સોનાનો ઇન્વેસ્ટમેન્ટ ચળકાટ ઓછો થઈ જાય છે. હાલમાં સોના અને ચાંદી બંનેના ભાવોમાં મોટા કડાકા બોલાયા હતા, કારણ તો યુએસ-ઇરાન યુદ્ધ શાંત પડશે અને સમજૂતી વધશે એવી શક્યતા વધી રહી છે. હવે આ ઘટેલા ભાવ ખરીદીને કે ઇન્વેસ્ટમેન્ટને લાયક ગણાય એ સમજવું જરૂરી છે. જોકે હાલ ગોલ્ડમાં એસઆઇપી કરવામાં વધુ સાર ગણાય એવું નિષ્ણાત વર્ગ માને છે. શા માટે? સમજીએ...
જયેશ ચિતલિયા
જો કોઈને સોના-ચાંદીમાં રોકાણ કરવું હોય તો આ સમય વધુ એક અવસર અથવા તક લઈને આવ્યો છે. છેલ્લા છ મહિનામાં આ ઍસેટ ક્લાસે જે ઝડપી તેજીની ઊંચાઈ બતાવી હતી એટલી ઝડપે મંદી અથવા ડાઉનફૉલની ગતિ પણ દર્શાવી દીધી છે. હજી પણ આ ટ્રેન્ડ ઘટાડા તરફ રહેવાની ધારણા છે. જોકે લાંબા ગાળાના રોકાણકારો માટે આ ધીમે-ધીમે ખરીદી કરવાનો અવસર કહી શકાય. ઇક્વિટી શૅર્સની જેમ ગોલ્ડ અને સિલ્વરના SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) કરવાનો આ મોકો છે. જેનાં કારણો સમજીને આગળ વધવું જોઈએ, ઉતાવળે નહીં.
વડા પ્રધાને શું ને શા માટે કહ્યું હતું?
સહુને યાદ હશે કે થોડા દિવસો પહેલાં જ વડા પ્રધાને પ્રજાને એકાદ વરસ સોનાની ખરીદી મોકૂફ રાખવા અનુરોધ કર્યો હતો. દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવા-જાળવવા તેમણે આમ કહ્યુું હતું. તેમણે વિદેશોની ટૂર પણ મોકૂફ રાખવા અપીલ કરી હતી. આ બધું યદ્ધના સંજોગોમાં ઊભી થયેલી ક્રાઇસિસને પહોંચી વળવા માટે હતું.
ભારતના મહત્તમ પ્રમાણમાં ક્રૂડ અને સોનાની આયાત પાછળ ડૉલર ખર્ચાય છે. ભારતે નાણાકીય વરસ 2026માં 72.4 અબજ ડૉલર સોનાની આયાત માટે વાપર્યા છે. જોકે યુએસ-ઇરાન-ઇઝરાયલ યુદ્ધ મોરચે શાંતિ થતાં અને સમજૂતીની વાટાઘાટ ચાલતી હોવાથી હવે યુદ્ધની શક્યતા ઓછી થઈ છે ત્યારે સોનાના ભાવ ઘટવા લાગ્યા. આ સાથે ચાંદી પણ તૂટવાની શરૂ થઈ. બીજી બાજુ ભારત સહિત વૈશ્વિક બજારોમાં સુધારા શરૂ થયા. આ ધાતુના ભાવો નોંધપાત્ર તૂટી ગયા હોવાથી હવે તેમાં રોકાણનો સમય ગણાય કે હજી રાહ જોવી એ સવાલ છે.
ભાવ ક્યાંથી ક્યાં વધ્યા- ઘટ્યા?
જાન્યુઆરી-2026ના અંતિમ સપ્તાહમાં સોનાના ભાવે નવી ઊંચાઈ (29 જાન્યુઆરીએ દસ ગ્રામના 1.82 લાખ) બનાવી હતી, જ્યાંથી આ ભાવ માર્ચ સુધીમાં 15 ટકા અને અત્યાર સુધીમાં 22 ટકા નીચે ગયા છે. ચાંદીનો ભાવે જાન્યુઆરી-માર્ચમાં કિલોદીઠ ચાર લાખ રૂપિયાની ટૉપ બનાવી હતી, જે હાલ અઢી લાખ રૂપિયાની આસપાસ છે. હજી ક્યાં ંસુધી આમ ચાલશે એ કળવું કઠિન છે. ખરીદદાર વર્ગ હાલ સોનામાં ખરીદી કરવી કે કેમ? રોકાણકાર વર્ગ આ ભાવે રોકાણ કરવું કે કેમ તે વિશે વિચારી રહ્યા છે. યુદ્ધ, ક્રાઇસિસ અને ગ્લોબલ અનિશ્ર્ચિતતાના માહોલમાં સોનું સેફ હેવન ગણાતું હોવાથી એ સમયે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો પણ સોનું જમા કરતી રહી હતી. યુદ્ધનો માહોલ ઠંડો પડતાં આ ડિમાન્ડ ઘટતી ગઈ, જેનું એક કારણ ડૉલરની મજબૂતી હતી. જયારે ડૉલર મજબૂત હોય ત્યારે વિશ્વના રોકાણકારો સોના કરતાં ડૉલરમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. બીજી બાજુ યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારે એવી શક્યતા અને તેના બૉન્ડ યીલ્ડ (વળતર) ઊંચા જવાની ધારણાએ પણ સોનાની ઇન્વેસ્ટમેન્ટ માગ ઘટાડી દીધી છે. યુએસમાં મોંઘવારીને ધ્યાનમાં રાખતા યુએસ ફેડ વ્યાજદર વધારે એવી સંભાવના ઊંચી છે. યાદ રહે, બૉન્ડ્સ પર વ્યાજ મળતું હોય છે, સોના-ચાંદીમાં વ્યાજ મળતું નથી. સોના-ચાંદીના ભાવ ઊંચાઈથી ઘટવાનું એક કારણ પ્રૉફિટ બુકિંગનું પણ રહ્યુું.
અહીં એક રસપ્રદ વાત એ પણ ખરી કે ગોલ્ડના ભાવે નવી ઊંચી સપાટી બનાવ્યા બાદ લોકો ઊંચા ભાવે ઘરગથ્થુ સોનું વેચીને રોકડી કરવા લાગ્યા હોવાની અસર પણ ભાવ પર થઈ છે. એપ્રિલથી જૂનના ક્વૉર્ટરમાં લોકોએ 50 ટન સોનું વેચ્યું હોવાનું ઇન્ડિયન બુલિયન જવેલરી એસોસીએશન (આઇબીજેએ)નો અહેવાલ જણાવે છે.
લૉન્ગ ટર્મમાં જ સાર ખાસ કરીને ચાંદીમાં ભાવ વધવાના કારણમાં જાણકારોના મતે ઇન્ડસ્ટ્રિયલ માગ ઘટતાં આ ભાવ ઘટવા લાગ્યા હતા. જોકે સિલ્વરના ભાવની તેજી-ઊંચાઈ ભળતી જ બની હતી. એ ખરું કે ઇલેક્ટ્રૉનિક, સોલાર પૅનલ્સ, ઑટોમોબાઇલ્સ, ઇલક્ટ્રિકલ વાહનો (ઈવી) વગેરેમાં સિલ્વરની ડિમાંડ રહે છે. વધુમાં ગોલ્ડ અને સિલ્વર ઈટીએફ (અક્સચેંજ ટ્રેડેડ ફંડ)માં ભરપૂર રોકાણ તેના તેજીના સમયમાં થયું હતું, જેમાંથી ઇન્વેસ્ટર્સ બહાર નીકળવા લાગવાને પગલે પણ ભાવ નીચા ગયા. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આ બંને ધાતુમાં આવેલો ભાવ ઘટાડો શૉર્ટ ટર્મ ગણી શકાય. ઍસેટસ એલોકેશન અને ડાઇવર્સિફિકેશન અર્થે પણ રોકાણકારો સોના-ચાંદીને પસંદ કરતા હોય છે. અર્થાત્ લૉન્ગ ટર્મ રોકાણ માટે આ બંનેમાં વૃદ્ધિનો અવકાશ ખરો. બાકી જયારે પણ ભાવો વધુ પડતા વધે ત્યારે તેમાં પાંચથી પંદર ટકાનું કરક્શન આવતું જ હોય છે.
એક્સપર્ટ વર્ગ કુલ પોર્ટફોલિયોમાં સોના-ચાંદીના રોકાણનો હિસ્સો મહત્તમ 10-15 ટકા પયાપ્ત હોવાનું માને છે. જોકે ઔધોગિક પ્રવૃત્તિ જોર પકડશે તો ચાંદીની માગ વધી શકે અને ભાવ રિકવર થઈ શકે.
ડાઇવર્સિફાઇડ એસેટ્સ ગણો
બુલિયન અક્સપર્ટ ઇન્વેસ્ટર્સ ઇક્વિટીઝના એસઆઇપીની જેમ ગોલ્ડમાં પણ નિયમિત કે સમયાંતરે શિસ્તબદ્ધ રોકાણ કરવાની સલાહ આપે છે. તેમાં સતત ભાવ વધારાની અપેક્ષાને બદલે ડાઇવર્સિફાઇડ સાધન તરીકે ગણવું જોઈએ. સિલ્વરના રોકાણકારોએ યાદ રાખવું જોઈએ કે ગોલ્ડ કરતાં સિલ્વર વધુ વૉલેટાઇલ હોય છે. આ બંનેના ભાવનો વર્તમાન ઘટાડો ફંડામેન્ટલ્સ આધારિત નથી, બલકે ગ્લોબલ મેક્રોઇકોનૉમિક પરિબળો આધારિત છે. અત્યારનું ઘટાડાનું મુખ્ય કારણ ડૉલરની વધતી મજબૂતી અને ફેડના વ્યાજદર વધવાની શક્યતાનું છે.ગોલ્ડ-સિલ્વરના ભાવ ડૉલરમાં બોલાતા-ગણાતા હોવાથી ડૉલરની મજબૂતી તેમના ભાવોને નબળા પાડે છે. એક મત એવો પણ છે કે સોના-ચાંદીના ભાવ હાલ કૉન્સોલિડેશનના તબક્કામાં છે. આમાં ભારે ઘટાડા બાદ હવે કરક્શનની શક્યતા મર્યાદિત રહેશે, જેથી લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ અનુકુળતા મુજબ રોકાણ પ્લાન કરી શકે.