Tue Sep 01 2026

Logo

કસ્ટમ ડ્યૂટીમાં વધારોઃ જુલાઈમાં સોના અને ચાંદીની આયાત દબાણ હેઠળ આવી

2026-08-14 19:41:12
Author: Ramesh Gohil
કસ્ટમ ડ્યૂટીમાં વધારોઃ જુલાઈમાં સોના અને ચાંદીની આયાત દબાણ હેઠળ આવી

નવી દિલ્હીઃ સરકારે સોના અને ચાંદીની આયાત જકાતમાં તીવ્ર વધારો કર્યો હોવાથી ગત જુલાઈ મહિનામાં દેશમાં સોના અને ચાંદીની આયાત દબાણ હેઠળ આવી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું. 
ગત જુલાઈ મહિનામાં સોનાની આયાત સાધારણ 4.77 ટકા વધીને 4.16 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે ચાંદીની આયાત 66.1 ટકાના ઘટાડા સાથે 17.168 કરોડ ડૉલરની સપાટીએ રહી હોવાનું આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ગત 13મી મેના રોજ સરકારે કિંમતી ધાતુઓ પરની આયાત જકાત જે છ ટકા હતી તે વધારીને 15 ટકા કરી હતી. ગત ગુરુવારે દેશની રાજધાનીમાં વેરા સહિત સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,57,000 અને ચાંદીના કિલોદીઠ ભાવ રૂ. 2.40 લાખ આસપાસના મથાળે રહ્યા હતા. 

આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જુલાઈ દરમિયાન દેશમાં સોનાની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 32.41 ટકા વધીને 15.17 અબજ ડૉલરની સપાટીએ અને ચાંદીની આયાત 50.81 ટકાના ઘટાડા સાથે 71.842 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. અગાઉ ગત એપ્રિલ મહિનામાં સોનાની આયાતમાં 81.69 ટકાનો, મે મહિનામાં 34 ટકાનો અને જૂન મહિનામાં સાત ટકાનો વધારો થયો હતો.

દેશમાં સોનાની આયાત માટેનો મુખ્ય સ્રોત દેશ 40 ટકાના હિસ્સા સાથે સ્વિત્ઝર્લેન્ડ રહ્યો છે. ત્યાર બાદ અનુક્રમે યુએઈથી 16 ટકા અને દક્ષિણ આફ્રિકાથી 10 ટકા આયાત થાય છે. જોકે, ગત જુલાઈ મહિનામાં સ્વિત્ઝર્લેન્ડથી આયાત 62.26 ટકાના વધારા સાથે બે અબજ ડૉલરની સપાટીએ રહી હતી. 

નોંધનીય બાબત એ છે કે સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશમાં ચીન પછી ભારતનો બીજો ક્રમાંક ધરાવે છે અને સ્થાનિક જ્વેલરી ઉદ્યોગની માગ સંતોષવા માટે આયાત થાય છે. જોકે, સોના અને ચાંદીની આયાતની દેશની ચાલુ ખાતાની ખાધ પર અસર પડતી હોય છે.