(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર)) પ્રોજેક્ટ હેઠળ ટ્વિન ટનલ બાંધવામાં આવવાની હોઈ તેના કામમાં ઝડપ લાવવામાં આવી છે, જે અંતર્ગત લોન્ચિંગ શાફ્ટ પર ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) ભાગોને જોડવાનું કામ ચાલી રહ્યું છે. જોકે કામ ટેક્નિકલી અત્યંત જટિલ હોવાથી ટીબીએમના છૂટા ભાગોને જોડવાનો સમયગાળો નક્કી કરીને બેક-અપ સિસ્ટમ અને પૂરતી માનવશક્તિ સાથે આયોજન કરવાનો નિર્દેશ અધિકારીઓને આપવામાં આવ્યો છે.
બુધવારે સાંજે પાલિકાના બ્રિજ વિભાગના અધિકારીઓ સાથે પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ઈન્સ્પેકશન કર્યું હતું અને સાઈટ પર એન્જિનિયરોને અમુક સૂચનો કર્યા હતા. ટીબીએમને જમીનમાં નીચે ઉતારવામાં આવવાનું છે, તે માટે બનાવવામાં આવેલો લોન્ચ શાફ્ટ આશરે ૨૦૦ મીટર લંબાઈ, ૫૦ મીટર પહોળાઈ અને ૩૦ મીટર ઊંડાઈ ધરાવે છે. ટીબીએમને શાફ્ટમાં નીચે ઉતારવા માટે જરૂરી તમામ ખોદકામ હવે પૂર્ણ થઈ ગયું છે. વધુમાં બેઝ પર મજબૂત કૉંક્રીટ કેડલ પણ બનાવવામાં આવ્યું છે, જે ટીબીએમને સુરક્ષિત રીતે સ્થિર કરવા અને ટનલની કામગીરીના પ્રારંભિક લોન્ચિંગના તબક્કા ગપમ્યાન ચોક્કસ ગોઠવણી સુનિશ્ર્ચિત કરવા માટે મહત્વનો છે.
મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારો ૧૨.૨૦ કિલોમીટર લાંબો ગોરેગામ-મુલુંડ લિંક રોડ મહત્ત્વનો સાબિત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગોરેગામમાં દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીથી મુલુંડમાં ખિંડીપાડા સુધી ટ્વિન ટનલ બનાવવામાં આવવાની છે. દરેક ટનલ ૪.૭૦ કિલોમીટર લાંબી હશે, જેનો વ્યાસ ૧૪.૨૦ મીટર હશે. જે સંજય ગાંધી નેશનલ પાર્કની નીચે ૧૩ મીટર સુધી સાંકડી હશે. ટનલ સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ હશે. દરેક ટનલ ત્રણ-ત્રણ લેનની હશે અને અત્યાધુનિક વેન્ટિલેશન સિસ્ટમ અને અત્યાધુનિક ફાયર સેફ્ટી સુવિધા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનથી સજ્જ હશે. બે ટીબીએમ મશીનથી આ ટનલનું ખોદકામ કરવામાં આવવાનું છે. દરેક ટીબીએમનું વજન આશરે ૨,૧૭૫ મેટ્રિક ટન છે.