Sat Jun 27 2026

Logo

ફ્લાયઓવરના બાંધકામમાં વિલંબ કરનારા કૉન્ટ્રેક્ટરને ૫૦ લાખનો દંડ ફટકાર્યો

2026-02-19 09:02:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના ભાગ ગણાતા દિંડોશી કોર્ટથી ગોરેગામમાં ફિલ્મ સિટી વચ્ચેના ફ્લાયઓવરના બાંધકામમાં વિલંબ બદલ કૉન્ટ્રેક્ટરને ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાલિકાના એડિશન કમિશનર(પ્રોજેક્ટ) અભિજિત બાંગરે બુધવારે આ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી અને બાંધકામમાં વિલંબ બદલ કૉન્ટ્રેક્ટરને દંડ ફટકારવાનો નિર્દેશ આપ્યો હતો. આ ફ્લાયઓવરનું કામ ઝડપથી પૂરું કરીને તેને ૩૧ મે સુધીમાં ખુલ્લો મૂકવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો. 

ગોરેગામ-મુલુંડ લિંક રોડનું કામ પૂરું થયા બાદ તે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારો એક મહત્ત્વનો લિંક રોડ બની રહેશે.



પ્રોજેક્ટના ફેઝ-ત્રણ (એ) હેઠળ દિંડોશી કોર્ટ, ગોરેગામ અને ફિલ્મસીટી વચ્ચે ૧.૨૬ કિલોમીટરનો એલિવેટેડ ફલાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. ફ્લાયઓવરના ૩૧ થાંભલાનું કામ પૂરું થઈ ગયું છે, જયારે ૩૦માંથી ૨૦ સ્પાનના કામ પૂરા થઈ ગયા છે. એકંદરે ૭૫ ટકા કામ થઈ ગયું છે. ફિલ્મસીટી બાજુએ એક એપ્રોચ રોડ બનાવવામાં આવવાનો છે પણ હાલમાં પાણીની પાઈપલાઈન, ગટરલાઈન સહિત પાવરલાઈનને કારણે કામમાં અવરોધ નિર્માણ થયો છે. આ યુટિલિટીઝ સર્વિસને તાત્કાલિક ખસેડવાનો નિર્દેશ પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આપ્યો હતો.  અભિજિત બાંગરે ફિલ્મ સીટી નજીક ટ્વીન-ટનલ લોન્ચિંગ-શાફ્ટ સાઇટની પણ મુલાકાત લીધી જ્યાં તૈયારીનું કામ ચાલી રહ્યું છે. ટ્વીન ટનલ બનાવવા માટે બે ટનલ-બોરિંગ મશીન (TBM) નો ઉપયોગ કરવામાં આવશે.

લોન્ચિંગ શાફ્ટ આશરે 200 મીટર લાંબો, 50 મીટર પહોળો અને 30 મીટર ઊંડો છે.

શાફ્ટનું ખોદકામ પૂર્ણ થયું છે, અને ટીબીએમ ને નીચે ઉતારવા માટે પારણું બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. 350 મેટ્રિક ટનની ક્રેન પહેલાથી જ સ્થળ પર આવી ગઈ છે, અને 800 મેટ્રિક ટનની ક્રેન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં આવવાની અપેક્ષા છે.

અધિકારીઓને માર્ચ સુધીમાં ટીબીએમને શાફ્ટમાં નીચે ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.