ભુજઃ ભારતની અગ્રણી ખનિજ ઉત્પાદક કંપનીઓમાંની એક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)ને ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત લખપત-પુનરાજપુર લિગ્નાઇટ અને ચૂનાના પત્થરની ખાણના પ્રકલ્પના નિર્માણ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી પર્યાવરણીય મંજૂરી પ્રાપ્ત થઈ છે.
આ મંજૂરી સાથે, જીએમડીસી હવે વાર્ષિક ૩.૦ મિલિયન ટન લિગ્નાઇટ અને ૨૯.૮૧ મિલિયન ટન ચૂનાના પત્થર (લાઇમસ્ટોન) નું ઉત્પાદન કરી શકશે. આ મંજૂરી કંપનીના વ્યૂહાત્મક વિકાસના માર્ગમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિયમનકારી સીમાચિહ્નરૂપ છે, જે લાંબા ગાળાના ઉત્પાદનની ખાતરી આપે છે.
લિગ્નાઇટ અને ચૂનાના પથ્થરના સંસાધનોના આ સંકલિત વિકાસથી ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે વીજ ઉત્પાદન, સિમેન્ટ અને અન્ય ખનિજ-આધારિત ઉદ્યોગોને મોટો ટેકો મળશે. આ પ્રકલ્પથી રાજ્યમાં કાચા માલના પુરવઠાની સ્થિરતામાં સુધારો થશે અને જીએમડીસીની બજારમાં સ્થિતિ વધુ મજબૂત બનશે.
કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના પુનરાજપુર સ્થિત ખાણ જીએમડીસીની વિસ્તરણ વ્યૂહરચનાનો એક અભિન્ન ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ખનિજ પ્રવાહોમાં વિવિધતા લાવવા અને ટકાઉ કાર્યકારી વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે. લખપત-પુનરાજપુર ખાણકામ પ્રકલ્પ માત્ર જીએમડીસી માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. તે રાજ્યમાં ખનિજ પ્રવાહોના વૈવિધ્યીકરણ અને આત્મનિર્ભરતામાં મહત્વનો ફાળો આપશે. પર્યાવરણીય મંજૂરી એ આ પ્રકલ્પના અમલીકરણ માટેનું સૌથી મહત્વનું કાયદાકીય પગલું છે, જે હવે કંપનીને ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરવાની તક આપશે.
(ઉત્સવ વૈદ્ય)