Thu Mar 12 2026

Logo

જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

 

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં સંશયને દૂર કરી આત્મશક્તિના રહસ્યને ઉજાગર કરી હવે ભગવાન કૃષ્ણ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયને સમજાવી રહ્યા છે.

જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ તત્ત્વોનું તાત્ત્વિક વિશ્ર્લેષણ ગીતાની આગવી વિશેષતા છે. આ ત્રિવિધ તત્ત્વો વિના જ્ઞાનની પૂર્ણતા શક્ય નથી. આ ત્રણેય પરસ્પર સંબંધિત છે, છતાં પોતપોતાની અલગ ઓળખ ધરાવે છે.

જ્ઞાતા એટલે જાણનાર જે ચેતન શક્તિ ધરાવે છે, જે અનુભવે છે, વિચારે છે, સમજે છે. જ્ઞાતા માનવનું આત્મસ્વરૂપ છે. શરીર, મન કે ઇન્દ્રિયો જાણે છે એવું લાગે છે, પરંતુ એ માત્ર સાધનો છે. જ્ઞાનની પ્રક્રિયા પાછળ રહેલું સચેત તત્ત્વ એટલે જ્ઞાતા- આત્મા. આત્મા જ એ શક્તિ છે જે ઇન્દ્રિયો દ્વારા વિષયોનો અનુભવ કરે છે અને તે જ સર્વ અનુભવોનો સાક્ષી છે.

હા, ઉપનિષદોમાં આત્માને સાક્ષી ચૈતન્ય તરીકે ઓળખાવવામાં આવ્યો છે એટલે કે તે બધાનો સાક્ષી છે. શરીર ઊંઘે, મન સ્વપ્ન જુએ, ઇન્દ્રિયો આરામ કરે, છતાં આત્મા ચેતન જાગૃત રહે છે. સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં પણ આત્મા સદા પ્રકાશમાન રહે છે. એ જ કારણ છે કે સુષુપ્તિ પછી જાગવાથી આપણે કહીએ છીએ કે હું સારી રીતે સૂતો હતો. આ કહેવું એ સાબિત કરે છે કે સૂવાના સમયે પણ કોઈ ‘હું’ તત્ત્વ હાજર હતું, જેને પછી એ અનુભવ યાદ રહ્યો. તે ‘હું’ તત્ત્વ એટલે જ જ્ઞાતા આત્મા.

આ અવિનાશી તત્ત્વ જ જ્ઞાતા છે, કારણ કે જો જ્ઞાતા પણ નાશ પામે, તો જ્ઞાનનો પ્રકાશ ક્યાંથી રહેશે? જ્ઞાન તો ત્યાં સુધી શક્ય છે જ્યાં સુધી જ્ઞાતા રહે. જ્ઞાતા આત્મા સદાચેતન છે, પરંતુ તેનું જ્ઞાન મન અને ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થાય છે, જેમ વીજળી તાર વડે પ્રકાશ આપે છે, તેમ આત્મા મન અને ઇન્દ્રિયોના માધ્યમથી વિશ્વનો અનુભવ કરે છે. મન અને ઇન્દ્રિયો તાર જેવા છે  તેમની માધ્યમ વિના અનુભૂતિ થતી નથી, પરંતુ વીજળી વિના તાર નિષ્ક્રિય છે. આત્મા વિના મન નિર્જીવ છે.

આમ, શરીર બદલાય છે, મન બદલાય છે, ઇન્દ્રિયો થાકે છે, પરંતુ આત્મા તો અવિચલ સાક્ષી રહીને સર્વનો અનુભવ કરતો રહે છે. એ જ માનવનું સત્ય સ્વરૂપ, સદા ચેતન અને અમર જ્ઞાતા આત્મા છે.

વળી, જ્ઞાન એટલે જાણવાની ક્રિયા. જ્ઞાન એક પ્રકારનું માધ્યમ છે જેના દ્વારા જ્ઞાતા જ્ઞેયને ઓળખે છે. જ્ઞાનમાં ચેતનાનો પ્રવાહ હોય છે, જે મન અને ઇન્દ્રિયો મારફતે બહારની દુનિયા તરફ વળે છે. મન જ્ઞાનનું મુખ્ય સાધન છે. ઇન્દ્રિયો જ્ઞાનના દ્વાર છે, પરંતુ મન એ બધાને જોડે છે અને જ્ઞાતાની તરફ લઈ જાય છે, જ્યારે મન શુદ્ધ અને એકાગ્ર હોય, ત્યારે જ્ઞાન સ્પષ્ટ અને પ્રકાશરૂપ બને છે. ગીતા કહે છે કે જેનું મન વિખરાયેલ છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે મનની એકાગ્રતા વિના જ્ઞાનનો પ્રકાશ ઝાંખો રહી જાય છે.

અંતે, જ્ઞેય એટલે જાણવાનો વિષય; જેનું જ્ઞાન મેળવવાનું હોય તે ! જ્ઞેય જ્ઞાનનો વિષય છે, તે દૃશ્ય કે વિચારરૂપ વસ્તુ હોઈ શકે છે. જ્યારે જ્ઞાતા જ્ઞાન દ્વારા જ્ઞેયને ઓળખે છે ત્યારે જ જ્ઞાનની પ્રક્રિયા પૂર્ણ બને છે. ઉદાહરણ તરીકે, કોઈ ફૂલ જોઈને આપણે કહીએ કે આ ગુલાબ છે. અહીં ગુલાબ જ્ઞેય છે, આંખ અને મન દ્વારા જે જાણવાની પ્રક્રિયા થાય છે તે જ્ઞાન છે, અને જે જાણે છે તે જ્ઞાતા છે.

આ ત્રણેય જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એકબીજા વિના અધૂરા છે. જ્ઞાતા વિના જ્ઞાન શક્ય નથી, જ્ઞાન વિના જ્ઞેય ઓળખાય નહીં, અને જ્ઞેય વિના જ્ઞાનની ક્રિયા થઈ શકતી નથી. આમ, આ સંપૂર્ણ પ્રકિયા અવિભાજ્ય છે, જે ચેતનાના પ્રવાહમાં સતત કાર્યરત રહે છે.

મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે બ્રાહ્મીસ્થિતિ થયા પછી મુમુક્ષુ ઉત્કૃષ્ટ જ્ઞાતા બને છે. આ જ્ઞાતાને બધામાં પરમાત્મા દેખાય છે. ‘જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે’ આ પંક્તિ અનુસાર તેને બધે જ દિવ્યતાનો અનુભવ થાય છે. આ સ્થિતિ માટે બ્રહ્મસ્વરૂપ ગુરુની જરૂર પડે. ઉપનિષદો આ જ અવસ્થા માટે કહે છે  બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ  જે બ્રહ્મને જાણે છે, તે પોતે બ્રહ્મરૂપ બની જાય છે.

 હા, આ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે જ્યાં જાણનાર, જાણવાની ક્રિયા અને જાણવાનું બધું જ દિવ્ય બની જાય છે.