લોકમિત્ર ગૌતમ
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ગણગૌર ઉત્સવ ખૂબ શ્રદ્ધા અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા થાય છે. ગણનો અર્થ શિવ અને ગૌરનો અર્થ ગૌરી છે. આવી રીતે ગણગૌર શિવ-પાર્વતીના દિવ્ય દાંપત્ય અને સૌભાગ્યનો ઉત્સવ છે.
4 માર્ચથી 21 માર્ચ સુધી આ ઉત્સવ મનાવવામાં આવશે. 16 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવના છેલ્લાં દિવસે ભવ્ય શોભાયાત્રા અને પૂજાનું આયોજન કરવામાં આવે છે.
માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા. એથી પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે ગણગૌરનું વ્રત રાખે છે. આ પર્વ ખરેખર તો સ્ત્રી આસ્થા અને આત્મબળનું પ્રતીક છે. અહીં ગૌરી માત્ર એક દેવી નથી, પરંતુ તે તો એક સંઘર્ષ, સમર્પણ અને પ્રેમની જીવંત પ્રતિમા બનીને અડીખમ ઊભી રહે છે. આ એક લોકજીવનનો ઉત્સવ છે. ગણગૌર દરમિયાન દરરોજ સાંજે મહિલાઓ પારંપરિક શણગાર સજે છે. સાંજે એકઠી થઈને ગણગૌરનાં ગીતો ગાય છે.
રાજસ્થાનમાં મુખ્યત્વે જયપુર, ઉદયપુર, જોધપુરમાં ગણગૌરની શોભાયાત્રા ભવ્ય હોય છે. હાથી, ઘોડા, લોકનૃત્ય, શાહી વેશભૂષા અને પારંપરિક સંગીત એને સાંસ્કૃતિક મહોત્સવ બનાવે છે. આ ઉત્સવનો આનંદ લેવા માટે તો વિદેશથી પણ પર્યટકો આકર્ષિત થાય છે. એ દરમિયાન જ વિદેશીઓ રાજસ્થાન પહોંચે છે.
વસંતઋતુ સાથે ગણગૌરનો પણ ખાસ સંબંધ છે. ધરતી જ્યારે નવજીવનના રોમાંચથી સજી ઊઠે છે, ખેતરમાં નવા પાક લહેરાય છે, વાતાવરણ નવી ફોરમથી મહેંકી ઊઠે છે એવા વખતે ગણગૌર ઉત્સવ સોનામાં સુગંધ ભળવા સમાન છે. ગણગૌરને સ્ત્રી અને સૃજનનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. ગામડા અને શહેરોમાં મહિલાઓ સાથે મળીને ગણગૌરની પૂજા કરે છે. પિયરથી મહિલાઓને સૌભાગ્યની સામગ્રી, શણગારનો સામાન અને મીઠાઈઓ મોકલવામાં આવે છે.
રાજસ્થાન સરકાર ગણગૌર પર્વને એક સાંસ્કૃતિક પર્યટન તરીકે પણ વિકસિત કરી રહી છે. આ જ કારણ છે કે વિવિધ શહેરો અને કળા કેન્દ્રોમાં ભવ્ય પ્રદર્શન, લોકનૃત્ય અને હસ્તશિલ્પના મેળાનું આયોજન થાય છે. એનાથી સ્થાનિક સ્તરે તો અર્થવ્યવસ્થા મજબૂત થાય જ છે સાથે જ વિદેશી પર્યટકો પણ પર્યટન માટે આકર્ષિત થાય છે.
આ લોક ઉત્સવ ધાર્મિક આયોજનની સાથે-સાથે લોકકળા, શિલ્પ અને સાંસ્કૃતિક ઓળખ બની જાય છે. પારંપરિક ચીજ-વસ્તુઓના વેચાણથી ગ્રામીણ કલાકારો, વણકરો અને કારીગરોને આવક મળે છે. ગણગૌર આપણને શીખવે છે કે શ્રદ્ધામાં શક્તિ છે, સૌંદર્યમાં સંસ્કૃતિ અને એકતામાં સમાજની આત્મા વસે છે.
અનેક ઠેકાણે ગણગૌરની પારંપરિક શોભાર્યાા કાઢવામાં આવે છે. જેમાં શિવ-પાર્વતીની પ્રતિમાને શણગારીને નગર ભ્રમણ કરાવવામાં આવે છે. આ ઉત્સવ સમાજમાં પારિવારિક સુખ, સૌભાગ્ય અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાનો સંદેશ આપે છે. ગણગૌર એક એવો હર્ષોલ્લાસનો પર્વ છે જેમાં આસ્થા, ઉમંગ અને ધર્મનો સંગમ જોવા મળે છે.