Fri Sep 04 2026

Logo

ગાંધીનગરમાં દર અઠવાડિયે ₹23 હજારથી માંડીને રોજના ₹96 હજાર સુધી વ્યાજ પડાવ્યું! 7 સામે ફરિયાદ...

2026-02-16 17:14:21
Author: Devayat Khatana
ગાંધીનગરમાં દર અઠવાડિયે ₹23 હજારથી માંડીને રોજના ₹96 હજાર સુધી વ્યાજ પડાવ્યું! 7 સામે ફરિયાદ...

Pethapur Police Station


ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વ્યાજખોરોના આતંકની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રાંધેજામાં રહેતા અને મેટ્રો ઓટો મોબાઈલ નામનું ગેરેજ ધરાવતા ધ્રુવકુમાર દેસાઈએ કુલ 7 વ્યાજખોરો વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે ધંધામાં આર્થિક સંકડામણના સમયે લીધેલા નાણાં પર વ્યાજખોરોએ 10 ટકાથી લઈને અઠવાડિયાના 4 ટકા જેવો મોટો વ્યાજદર વસૂલ્યો હતો, અને મૂડી-વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં સિક્યુરિટી પેટે આપેલા ચેક પરત ન આપી ધમકીઓ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદી અશોકજી ઠાકોર, તેજાભાઈ દેસાઈ, મીનત પટેલ, હાર્દિક પટેલ, તેજપાલસિંહ વાઘેલા, સુરેન્દ્રસિંહ ગજેરા અને કરણસિંહ વાઘેલા પાસેથી અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે લાખો રૂપિયા લીધા હતા. આરોપીએ કરણસિંહ વાઘેલાએ રૂ.1.61 કરોડની સામે અઠવાડિયાનું 10 ટકા વ્યાજ વસૂલ્યું હતું, જ્યારે મીનત પટેલે દિવસનું રૂ. 96,000 વ્યાજ વસૂલ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. વેપારીએ પોતાની જમીન વેચીને પણ અનેક વ્યાજખોરોને નાણાં ચૂકવી દીધા હોવા છતાં આ સિલસિલો અટક્યો નહોતો.

વ્યાજખોરોનો ત્રાસ એટલો હદ સુધી વધી ગયો છે કે મૂડી કરતા વધુ રકમ ચૂકવી હોવા છતાં આરોપીઓ ફરિયાદીના ઘરે જઈને ધાક-ધમકી આપતા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર, કરણસિંહ વાઘેલા અને હાર્દિક પટેલ તેના ઘરના સભ્યોને હેરાન કરી ઘર ખાલી કરાવી દેવાની ધમકી આપતા હતા. વ્યાજખોરોએ સિક્યુરિટી માટે રાખેલા કોરા ચેક પરત માંગવા જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મામલે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે આરોપીઓને લાખો રૂપિયા વ્યાજ પેટે ઓનલાઇન અને રોકડેથી ચૂકવ્યા હતા, જેના પુરાવા પણ તે તપાસમાં રજૂ કરશે. હાલ પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસવાની તૈયારી શરૂ કરી છે અને તપાસ દરમિયાન અન્ય કેટલા લોકો આ જાળમાં ફસાયેલા છે તે બહાર આવવાની શક્યતા છે.