ભુજઃ ઓડિશાના પુરી રેલવે સ્ટેશન પર ચાલી રહેલા આધુનિકીકરણના કાર્યને કારણે ગુજરાત અને ઓડિશા વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ તટીય રેલવેના ખુર્દા રોડ મંડળ દ્વારા પ્લેટફોર્મ અપગ્રેડેશન માટે લેવાયેલા ૬૦ દિવસના મેગા બ્લોકને કારણે ગાંધીધામથી ઉપડતી બે મુખ્ય ટ્રેનોને આગામી મે મહિના સુધી પુરીને બદલે સાક્ષીગોપાલ સ્ટેશન સુધી જ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પુરી રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીને પગલે ટ્રેનોને નિર્ધારિત સ્ટેશન સુધી પહોંચાડવી શક્ય ન હોવાથી, ટ્રેનોને આંશિક રીતે રદ કરીને સાક્ષીગોપાલ સ્ટેશનથી જ પરત રવાના કરવામાં આવશે.
રેલવેના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામથી આગામી તા.૧૩,૨૦, ૨૭ માર્ચ, ૩,૧૦,૧૭,૨૪ એપ્રિલ, ૧, તથા ૮ મેના રોજ ઉપડીને સાક્ષીગોપાલ સુધી જશે અને ત્યાંથી તા.૧૬,૨૩, ૩૦ માર્ચ. ૬ ૧૩, ૨૦, ૨૭ એપ્રિલ તથા ૪,૧૧ મેના રોજ પરત ફરશે.
જયારે ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર બુધવારે ગાંધીધામથી ઉપડતી આ ટ્રેન પણ સાક્ષીગોપાલ ખાતે ટૂંકાવવામાં આવી છે. આ ટ્રેન ગાંધીધામથી તા. ૧૧, ૧૮,૨૫ માર્ચ, ૧, ૮, ૧૫, ૨૨, ૨૯ એપ્રિલ તથા તા.૬ અને ૧૩મી મેના રોજ ઉપડશે. જયારે સાક્ષીગોપાલથી તા. ૧૪, ૨૧, ૨૮ માર્ચ, ૪, ૧૧, ૧૮, ૨૫ એપ્રિલ અને તા. ૨,૯,૧૬ મેના રોજ પરત ફરશે.
આ ફેરફારને લીધે જે મુસાફરોએ પુરી સુધીની ટિકિટ બુક કરાવી છે, તેમણે હવે સાક્ષીગોપાલ સ્ટેશન પર ઉતરવું પડશે. સાક્ષીગોપાલથી પુરીનું અંતર નજીક હોવા છતાં, મુસાફરોએ આગળની મુસાફરી માટે સ્થાનિક પરિવહન પર આધાર રાખવો પડશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ સમયપત્રક મુજબ પોતાની મુસાફરીનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)