Mon Sep 14 2026

Logo

રાહુલ ગાંધીની એનડીએ સરકાર તૂટી પડવાની આગાહી માત્ર દિવાસ્વપ્ન: ફડણવીસ

2026-05-24 19:32:07
Author: Vipul Vaidya
રાહુલ ગાંધીની એનડીએ સરકાર તૂટી પડવાની આગાહી માત્ર દિવાસ્વપ્ન: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાહુલ ગાંધીના એનડીએ સરકાર ટૂંક સમયમાં પડી જશે એવા દાવાને ફગાવી દેતાં કોંગ્રેસના નેતાની ટિપ્પણીઓને દિવાસ્વપ્ન સાથે સરખાવી હતી અને તેને માત્ર કપોળ-કલ્પના ગણાવી હતી. 

ભાજપે એવો આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કોંગ્રેસના લઘુમતી વિભાગની સલાહકાર પરિષદની બેઠકમાં એવું કહ્યું હતું કે મોદી સરકાર એક વર્ષમાં પડી જશે.

આગામી મહિનાઓમાં સરકારના પતનની આગાહી કરતા ગાંધીના નિવેદન વિશે પૂછવામાં આવતા, ફડણવીસે કહ્યું, ‘મુંગેરીલાલ કે હસીન સપને’ (દિવાસ્વપ્ન) નામની એક લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ હતી. તેમની ટિપ્પણી આનાથી વધુ કંઈ નથી.’ મુખ્ય પ્રધાન નાગપુરમાં ગોડમ લોજિસ્ટિક્સ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે પ્રદેશના ઉત્પાદન ક્ષેત્રને અત્યાધુનિક લોજિસ્ટિક્સ પાર્કથી ઘણો ફાયદો થવાનો છે, જેનું કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાથે તેમણે ઉદ્ઘાટન કર્યું હતું.

‘જો આપણે તાજેતરના વિકાસ પર નજર કરીએ તો, અમે અમલમાં મૂકેલી વ્યાપક લોજિસ્ટિક્સ નીતિએ નાગપુરને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ હબમાં ફેરવી દીધું છે. અહીં બનાવવામાં આવી રહેલા લોજિસ્ટિક્સ પાર્ક ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો કરશે,’ એમ ફડણવીસે કહ્યું હતું. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા માટે ખર્ચ ઘટાડવા જરૂરી છે.

‘જો આપણે વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માગતા હોઈએ અને વૈશ્ર્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન મેળવવા માગતા હોઈએ, તો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવો જરૂરી છે. આજે આપણે આ પ્લેટફોર્મ દ્વારા આ જ સક્ષમ બનાવી રહ્યા છીએ,’ એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.