કેલિફોર્નિયાઃ સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુકની માલિકી કંપની મેટાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. મેટા પર ચાઈલ્ડ સેફ્ટિને લઈને ગંભીર આરોપ લાગી રહ્યા છે. અમેરિકાની એક કોર્ટે કંપની પર 3000 કરોડ રૂપિયાની પેનલ્ટી કંપનીને ફટકારી છે.મેટા કંપની આર્થિક રીતે સંકટમાં ફસાઈ ચૂકી છે. આવું પહેલીવાર નથી થયું. અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં એક જ્યુરીએ કંપની પર 375 મિલિયન ડૉલર એટલે કે આશરે 3000 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે.
બાળકોની સુરક્ષાને લઈ દંડ થયો
બાળકોની સુરક્ષાને લઈને કંપનીએ કેટલીક બેદરકારી વર્તી અને કોર્ટની નજરમાં આવતા આ પેનલ્ટી ફટકારવામાં આવી છે.આના કારણે પ્લેટફોર્મને પણ નુકસાન થયું છે. આ કેસ વર્ષ 2023માં શરૂ થયો હતો. ન્યુ મેક્સિકોના એટર્ની જનરલે મેટાની સામે કેસ ફાઈલ કર્યો હતો. આરોપ એવો હતો કે, કંપનીએ પોતાના પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને સિક્યોર ગણાવીને યુઝર્સને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું.હકીકતમાં બાળકો પર આની ગંભીર અસર પડી રહી હતી.કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓમાંથી એ વાત સામે આવી છે કે, અનેક એવા કેસમાં સગીરવયના બાળકો ન જોવાનું કોન્ટેટ જોઈ રહ્યા હતા. તપાસમાંથી એ વાત સામે આવી હતી કે, કંપનીને આ વાતની પૂરેપૂરી ખબર હતી અને કંપનીને જાણ હતી. એમ છતાં કંપનીએ કોઈ પ્રકારના પગલાં લીધા ન હતા.
કાયદાનો ભંગ કર્યો છે કંપનીએ
જ્યુરીએ એ વાત સ્વીકારી હતી કે, મેટાએ ક્ન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના નિયમનો ભંગ કર્યો છે.કંપનીએ પ્લેટફોર્મની સુરક્ષાને લઈને પણ ખોટી જાણકારી આપી હતી.આ જ કારણે દરેક નિયમના ભંગને લઈને કુલ મળીને 375 મિલિયન ડૉલર પેનલ્ટી ફટકારવામાં આવી હતી. આ કેસને ખાસ એટલા માટે માનવામાં આવે છે કારણ કે પહેલીવાર જ્યુરીએ ડાયરેક્ટ મેટાને એના પ્લેટફોર્મથી થનારા નુકસાનને લઈને જવાબદાર ગણાવી દીધા છે.ઓર્તુરો બેહરના નામના વ્યક્તિએ આ અંગે પહેલા કેસ કર્યો હતો. તે મેટા કંપનીમાં એન્જિનીયર તરીકે કામ કરી રહ્યો હતો. વર્ષ 2021માં કંપની છોડીને ગયા બાદ સ્કેમ અને કંપનીઓની ભૂલને જાહેર કરવાનું કામ કર્યું.

ઈન્સ્ટાગ્રામ પર પ્રયોગ
આ એન્જિનીયરે સૌ પ્રથમ ઈન્સ્ટાગ્રામ પર પ્રયોગ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર ટેસ્ટ કર્યા બાદ એ સાબિત કરી બતાવ્યું હતું કે, સગીર વયના યુઝર્સને પણ કંપની એડલ્ટ કોન્ટેટ પીરસી રહી છે. એન્જિનીયરે એવો દાવો કર્યો હતો કે, એમની નાની દીકરીને ઈન્સ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા વ્યક્તિએ શરીર સુખ માણવા માટેની ઓફર કરી હતી. આ દરમિયાન તેમણે સરકારી વકીલને મેટા પર કરેલું રીસર્ચવર્ક પણ બતાવ્યું હતું.16 ટકા ઈન્સ્ટાગ્રામ યુઝર્સે એ વાત સ્વીકારી હતી કે, આવી અનવોન્ટેડ ન્યુડિટી અને સેક્સ્યુઅલ કોન્ટેટ અઠવાડિયામાં એકવાર તો ફીડ સુધી આવે છે. જેને તેઓ દેખાડવા માગતા નથી.
સુનાવણી કરવામાં આવી
સુનાવણી દરમિયાન કંપની પર એવો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે, કંપની પોતાની સુરક્ષા કે યુઝર્સની સુરક્ષા કરતા પોતાનો નફો તથા વેપારમાં ફાયદાને પ્રાયોરિટી આપી રહી છે.મેટાને અંદરથી પણ એવી ચેતવણી આપવામાં આવી હતી કે, તે બાળકો માટે જોખમી સાબિત થવા જઈ રહ્યું છે. પણ કંપનીએ આ ચેતવણીને કોઈ કાળે ગંભીરતાથી લીધી ન હતી. પ્લેટફોર્મ પર કેટલાક એવા ફીચર્સ એવા હતા કે, યુઝર્સને લાંબા સમય સુધી યુઝર્સને કોન્ટેટ સાથે ક્નેક્ટ રાખતા હતા. આનાથી બાળકો પર માઠી અસર થતી હતી.
મેટા કંપનીની દલીલ
કંપનીએ કહ્યું હતું કે, કોર્ટના આ ચૂકાદા સાથે તે સહમત નથી. કંપની આને ઉપલી અદાલતમાં પડકારશે. પ્લેટફોર્મને સિક્યોર બનાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે.ખોટું અને ગંદુ કોન્ટેટ દૂર કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. એક્સપર્ટ ત્યાં સુધી કહે છે કે, કંપની ઈરાદાપૂર્વક અમુક કોન્ટેટ રહેવા દેતી હતી કારણ કે, તે યુઝર્સને ગુમાવવા માગતી ન હતી અને એન્ગેજમેન્ટ ઘટાડવા માગતી ન હતી. સોશિયલ મીડિયા બાળકો માટે ખરેખર જરૂરી કે બિનજરૂરી આ મુદ્દે વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે એવામાં આવા કાંડ સામે આવતા હવે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની બ્રાંડને છાંટા ઊડ્યા છે.