નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડરિંગ અને આર્થિક ગુનાઓ સામે સતત કાર્યવાહી કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કામગીરી પર સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓએ સવાલો ઊભા કર્યા છે. દેશમાં જ્યારે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પડે છે એવા સમયે સૌથી વધુ ચર્ચા એ કેસની થાય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એજન્સી સૌથી વધારે ચર્ચિત એજન્સીમાં રહી છે. મની લોન્ડરિંગના કેસમાં તથા આર્થિક ગુના સાથે જાડાયેલા કેસની તપાસમાં સતત નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી, પણ સંસદમાં સરકાર તરફથી આપવામાં આવેલા આંકડામાંથી એક અલગ ચિત્ર રજૂ થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ એજન્સીએ 4,622 કેસ નોંધ્યા હતા, જ્યારે 2,444 કેસમાં ફરિયાદ દાખલ કરી દીધી હતી.
આંકડાકીય રિપોર્ટ
1,243 આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે માત્ર 43 કેસમાં આરોપ સાબિત થયા છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે, 104 આરોપીને જે તે કેસ અંતર્ગત સજા મળી છે. મંગળવારે સરકારે રાજ્યસભામાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, 30 જૂન સુધી ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સ્પેશ્યલ કોર્ટમાં 2,444 ફરિયાદ દાખલ કરી છે.
આ કેસમાં અલગ અલગ ચરણમાં કેસ હજુ તપાસ અંતર્ગત છે. સરકારે એ પણ વાત સ્પષ્ટ કરી કે, હાલમાં જે અંડરટ્રાયલ કેદી છે એનો સેન્ટ્રલ ડેટાસોર્સ પ્રાપ્ય નથી. કારણ કે, ઘણા કેસમાં મુખ્ય ધરપકડ કોઈ અન્ય તપાસ એજન્સીએ કરી હોય છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ઈડીએ વર્ષ 2021-22માં 1,116 કેસ નોંધાયા હતા. 2022-23માં 953, 2023-4માં 698, 2024-25માં 775 અને 2025-26માં 1080. આનાથી પાંચ વર્ષના સમયગાળામાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 4,622 થઈ ગઈ છે. આવકવેરા વિભાગ (ITD) એ આ સમયગાળા દરમિયાન 2,127 કેસ દાખલ કર્યા હતા.
આ કારણે કેસમાં વિલંબ થાય
સરકારના જણાવ્યા મુજબ, ED એ 2021-22 માં 3, 2022-23 માં 9, 2023-24 માં 13, 2024-25માં 9 અને 2025-26માં 9 કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કુલ 43 કેસોમાં 104 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ દરમિયાન, આવકવેરા વિભાગના કેસોની વાત કરીએ તો, પાંચ વર્ષના સમયગાળામાં 233 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 854 કેસોમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ચુકાદા ઘણીવાર વર્ષો પછી આવે છે
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દોષિત ઠેરવવામાં આવેલા કે નિર્દોષ જાહેર કરવામાં આવેલા કેસમાં જરૂરી નથી કે, તે જ વર્ષમાં નોંધાયેલા હોય, કારણ કે ન્યાયિક ચુકાદા ઘણીવાર વર્ષો પછી આવે છે. પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસોની તપાસ અનેક સ્તરે થાય છે. પ્રથમ, ઇડી તેની તપાસ પૂર્ણ કરે છે ત્યાર બાદ ખાસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરે છે. ત્યારબાદ, એક લાંબી ન્યાયિક પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં આરોપો ઘડવામાં આવે છે, સાક્ષીઓની જુબાનીઓ રેકોર્ડ કરવામાં આવે છે દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે અને અંતિમ ચુકાદો આપવામાં આવે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં કેસ વર્ષો સુધી ટ્રાયલ હેઠળ રહે છે, જેના પરિણામે દોષિત ઠેરવવાનો દર ઓછો રહે છે.