રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, સ્નેહ અને સુરક્ષાના વચનનું પ્રતીક છે. બહેન પોતાના ભાઈના દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના સાથે તેના કાંડા પર રક્ષા સૂત્ર (રાખડી) બાંધે છે. પરંતુ તહેવાર પૂર્ણ થયા પછી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે હાથ પર બાંધેલી રાખડી ક્યારે ઉતારવી જોઈએ અને તેને ઉતાર્યા પછી ક્યાં રાખવી? શાસ્ત્રો અને પ્રાચીન પરંપરાઓ અનુસાર, રાખડી બાંધવા જેટલું જ મહત્વ તેને યોગ્ય સમયે અને પદ્ધતિસર ઉતારવાનું પણ છે. આ સ્ટોરીમાં આવિશે વિસ્તારથી વાત કરીએ...
રાખડી ક્યારે ઉતારવી જોઈએ?:
જન્માષ્ટમી સુધી: ધાર્મિક માન્યતાઓ અને પરંપરા મુજબ, મોટાભાગના પરિવારોમાં રક્ષાબંધનથી લઈને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સુધી રાખડી બાંધી રાખવાની પરંપરા છે. જન્માષ્ટમીના દિવસે રાખડી ઉતારવી અત્યંત શુભ માનવામાં આવે છે.
પિતૃપક્ષ (શ્રાદ્ધ) પહેલાં: શાસ્ત્રો અનુસાર, પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ શરૂ થાય તે પહેલાં હાથમાંથી રાખડી ઉતારી લેવી જોઈએ, કારણ કે શ્રાદ્ધ દરમિયાન અશુદ્ધિના નિયમો લાગુ પડે છે.
24 કલાક કે સવા મહિનાનો નિયમ: કેટલાક વિસ્તારોમાં રક્ષાબંધનના બીજા દિવસે અથવા સવા મહિનો (૪૫ દિવસ) પૂર્ણ થયા પછી રાખડી ઉતારવાની પ્રથા પણ પ્રચલિત છે.
રાખડી ઉતારતી વખતે ધ્યાનમાં રાખવાના ખાસ નિયમો:
જો રક્ષાબંધન પછી રાખડી તૂટી જાય કે તેના દોરા છૂટા પડી જાય, તો ખંડિત રાખડી કાંડા પર બાંધી ન રાખવી જોઈએ. તેને તુરંત આદરપૂર્વક ઉતારી લેવી. રાખડી ઉતારતી વખતે દોરો કાપવા માટે કાતર, ચપ્પુ કે બ્લેડ જેવી ધારદાર ધાતુની વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. તેને હાથથી જ હળવેથી છોડવી યોગ્ય છે.
ઉતારેલી રાખડીનું શું કરવું?
ઉતારેલી રાખડીને ક્યારેય પણ કચરાપેટીમાં કે ગમે ત્યાં ફેંકવી ન જોઈએ, કારણ કે તેમાં પૂજા અને મંત્રોચ્ચારની સકારાત્મક ઊર્જા રહેલી હોય છે.
જળ પ્રવાહમાં વિસર્જન: રાખડીને કોઈ પવિત્ર નદી, તળાવ કે વહેતા પાણીમાં આદરપૂર્વક વિસર્જિત કરવી જોઈએ.
વૃક્ષના મૂળમાં અર્પણ: જો વહેતું પાણી નજીક ન હોય, તો તેને કોઈ પીપળા, વડ કે તુલસી જેવા પવિત્ર વૃક્ષના મૂળ પાસે માટીમાં પધરાવી શકાય છે.
તિજોરી કે પૂજા સ્થાનમાં સંગ્રહ: તમે રાખડીને લાલ કપડામાં લપેટીને પોતાના ઘરના મંદિર અથવા તિજોરીમાં સુરક્ષિત પણ રાખી શકો છો.