ઝુબૈદા વલિયાણી
મા-બાપ બે વખત રડે છે, એક દીકરી ઘર છોડે-સાસરે જાય ત્યારે અને બીજું દીકરો તરછોડે ત્યારે...!
માતૃપ્રેમ વિશે આપણા ગુજરાતી લોકકવિઓએ ઘણું લખ્યું છે, કવિ ધરમશીએ કહ્યું છે,
‘પહેલાં રે માતા...
પછી રે પિતા...
પછી લેવું પ્રભુનું નામ...
મારે નથી જાવું તીરથધામ...!’
- પણ હવે સમય અને સમાજ બંને બદલાયા છે. લોકોનાં વાણી, વર્તન અને જીવનશૈલી પર તેની વ્યાપક અસર થઈ છે અને તે ખાસ કરીને શહેરોમાં વસતાં કુટુંબો પર સ્પષ્ટ જોવા મળે છે.
- પરંતુ ‘લાડકી’ પૂર્તિના વ્હાલા વાચક સ્ત્રી-પુરુષો એક સનાતન સત્ય એ છે કે અહીં અમેરિકાનાં રાજ્યોમાં જ્યાં ખાસ કરીને ગુજરાતી ભાષી કુટુંબો વસે છે ત્યાં તેની અસર પાંચ ટકા જેટલી પણ પડી નથી. આપને વિદિત હશે કે હિન્દુ સમાજ ઉપરાંત મુસ્લિમ કોમમાં સંયુક્ત કુટુંબની ભાવના આજે પણ જળવાયેલી છે. અહીં એટલાંટા- જ્યોર્જિયામાં સિનિયર સીટીજનો માટે કોઈપણ જાતની ફી લીધા વગર લર્નિંગ રિસોર્ટ સેન્ટરો સ્થપાયાં છે. આગાખાન સાહેબને અનુસરનારા ઈસ્માઈલીઓનું આ ક્ષેત્રે યોગદાન મહત્ત્વનું રહ્યું છે.
જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માગતા નથી.
- કવિ ગુલાબદાન કહે છે,
* ગરીબ માની ઝૂંપડીમાં ‘ગુલાબદાન’ કોઈ દી સંકડાશ નહોતી થતી...
- આજે પણ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી...
- તો શરમ મરજાદ અને સંસ્કૃતિ ક્યાં ગઈ જે ગૌરવ આપણી ગણાતી...?
- આલીશાન બંગલામાં પોષાય આલ્સેશિયન...
- એક માવડી નથી પોષાતી...!
* બે સદી કરતાં પણ વધુ સમય જૂના અખબારમાં ‘મુંબઈ સમાચાર’ની વરસો જૂની ‘લાડકી પૂર્તિ’ના દેશ-વિદેશના વ્હાલા વાચક મિત્રો! અમારા પ્રાધ્યાપક મિત્ર કહેતા કે,
- આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી.
- પરંતુ દોઝખની પીડા આપણે અનુભવી નથી.
- પરંતુ દોઝખની ભયાનકતાથી બચવા આપણે નિયમિત ભગવાનની, અલ્લાહ, ઈશ્ર્વર, ગૉડની ભક્તિ, ઈબાદત પ્રાર્થના કરીએ છીએ તેમ.
- ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે, પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વદ્ધોના પ્રેમથી સાર-સંભાળ રાખવી જોઈએ.
- માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને વંદન કરે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરતા હોય છે.
સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ના હોય, પણ....
- પણ વૃદ્ધાવસ્થા જરૂર આદર અને સહાનુભૂતિને પાત્ર છે.
વૃદ્ધાાવસ્થા એ જિંદગીનું અંતિમ જકાતનાકું છે.
જીવનભરનાં તમામ કર્મોની ત્યાં ચુકવણી કરીને મનુષ્ય અનંતની યાત્રાએ ઊપડી જાય છે. એથી સંતાને મા-બાપની પૂરી કાળજી લેવી જોઈએ.
આ લખનારના પતિ કહે છે,
- ‘જ્યારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે.
સંતો કહે છે,
- નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે મા-બાપ આપણી આંગળી ઝાલતાં. હવે તેઓ ચાલી નથી શકતાં ત્યારે આપણે તેમનો હાથ ઝાલવો જોઈએ.
બોધ:-
* ઘરડાં મા-બાપને તીર્થ કરવા ન લઈ જાવ તો ચાલશે,
- તેમનો હાથ ઝાલીને જાજરુ સુધી દોરી જાઓ તો એમાં અડસઠ તીર્થનું પુણ્ય સમાઈ જાય છે.
* કહે છે,
- મા-બાપ બે વખત રડે છે.
- એક દીકરી સાસરે જાય છે ત્યારે... અને
- બીજું દીકરો તરછોડે ત્યારે, પણ
- માએ તો જિંદંગીભર રડવાનું જ હોય છે.
* છોકરા નાના હોય અને જમે નહીં એટલે મા રડે છે.
- અને એ છોકરા મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે.
- સંજોગની એ વિચિત્ર વિડંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ પછી તે દીકરો હોય કે દીકરી! મોટા થઈને માને ચૂપ રહેવાનું કહે છે. જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પૂછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ન આપવી. એમ કરવું એ ઘડપણની શોભા છે અને જરૂરિયાત પણ.
રીમઝીમ:
* ભૂતકાળ ભૂલી જાવ. ભવષ્યિની ચિંતા કરો.
* વર્તમાનમાં જ જીવો.
* તમારી સમક્ષ જે જવાબદારીઓ અદા કરવાની આવે તે તમારી ઉત્તમોત્તમ શક્તિ વાપરીને અદા કરો.
* પરિણામની કાળજી લેનાર ભગવાન, ઈશ્ર્વર- અલ્લાહ, પ્રભુ- ગૉડ બેઠા જ છે.