Sun Aug 30 2026

Logo

AI વર્લ્ડમાં ખળભળાટ: એલોન મસ્કે OpenAI અને માઈક્રોસોફ્ટ સામે છેતરપિંડી કર્યો કેસ, આટલા કરોડની કરી માંગણી...

washington dc   2026-01-17 12:54:00
Author: Tejas
AI વર્લ્ડમાં ખળભળાટ: એલોન મસ્કે OpenAI અને માઈક્રોસોફ્ટ સામે છેતરપિંડી કર્યો કેસ, આટલા કરોડની કરી માંગણી...

Elon Musk


દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ એલોન મસ્કે હવે ઓપનએઆઈ (OpenAI) અને ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ સામે બાંયો ચઢાવી છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કે આ કંપનીઓ વિરુદ્ધ પોતાની કાનૂની લડાઈને વધુ ઉગ્ર બનાવતા અબજો ડોલરના વળતરની માંગ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, મસ્કે આરોપ લગાવ્યો છે કે ચેટજીપીટી બનાવનારી કંપનીએ તેના મૂળભૂત ઉમદા હેતુઓ ત્યજી દઈને માત્ર નફા માટે માઇક્રોસોફ્ટ સાથે હાથ મિલાવ્યા છે, જે તેમની સાથે થયેલી છેતરપિંડી સમાન છે.

એલોન મસ્કે કોર્ટમાં રજૂ કરેલી અરજીમાં અંદાજે 79 અબજ ડોલર (6.5 લાખ કરોડ રૂપિયા) થી લઈને 134 અબજ ડોલર (11 લાખ કરોડ રૂપિયા) ની માંગણી કરી છે. મસ્કનું કહેવું છે કે વર્ષ 2015માં જ્યારે તે જ્યારે આ કંપનીના કો-ફાઉન્ડર બન્યા હતા, ત્યારે તેમણે 38 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. અત્યારે ઓપનએઆઈનું મૂલ્યાંકન 500 અબજ ડોલરની આસપાસ છે, તેથી એક શરૂઆતના રોકાણકાર તરીકે તેઓ આ નફામાં મોટા હિસ્સાના હકદાર છે.

મસ્કના વકીલ સ્ટીવન મોલોએ દલીલ કરી હતી કે જે રીતે કોઈ સ્ટાર્ટઅપમાં શરૂઆતના રોકાણકારોને અનેકગણો ફાયદો મળે છે, તે જ રીતે મસ્ક પણ આ કંપનીના ગેરકાયદેસર નફામાંથી હિસ્સો મેળવવા પાત્ર છે. બીજી તરફ, ઓપનએઆઈએ આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીનું કહેવું છે કે એલોન મસ્ક તેમને જાણીજોઈને હેરાન કરી રહ્યા છે અને આ કાનૂની કાર્યવાહી માત્ર હેરાનગતિના અભિયાનનો એક ભાગ છે. કંપનીએ કોર્ટમાં આ વાત સાબિત કરવા માટે મક્કમતા દર્શાવી છે.

એલોન મસ્ક 2018માં ઓપનએઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી અલગ થઈ ગયા હતા. જોકે, 2022માં જ્યારે ચેટજીપીટી લોન્ચ થયું ત્યારથી તેઓ સતત આ કંપનીની કાર્યશૈલીની ટીકા કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે મસ્કે પોતાની નવી એઆઈ કંપની 'xAI' પણ શરૂ કરી દીધી છે, જેનો 'ગ્રોક' (Grok) ચેટબૉટ સીધો ચેટજીપીટી સાથે સ્પર્ધા કરી રહ્યો છે. આ કાનૂની લડાઈ હવે વિશ્વના એઆઈ માર્કેટ પર કેવી અસર પાડશે તે જોવું રસપ્રદ રહેશે.