Thu May 14 2026

Logo

ચૂંટણી પંચની મોટી જાહેરાત: 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે SIR પ્રક્રિયા, જાણો સંપૂર્ણ ટાઈમટેબલ

2026-05-14 15:47:42
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદીઓને વધુ પારદર્શક, સચોટ અને ક્ષતિરહિત બનાવવા માટે Special Intensive Revision (SIR)ના ત્રીજા તબક્કાની જાહેરાત કરી દીધી છે. આ મહત્વકાંક્ષી અભિયાન હેઠળ 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 36.73 કરોડ મતદારોનું ઘરે-ઘરે જઈને સત્યાપન કરવામાં આવશે. ચાલો સમગ્ર વિગતો આ અહેવાલમાં જોઈએ...

કયા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, આ ત્રીજા તબક્કામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. આ યાદીમાં રાજ્યોની વાત કરવામાં આવે તો, ઓડિશા, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કર્ણાટક, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, નાગાલેન્ડ અને ત્રિપુરા અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરવામાં આવે તો, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી-દમણ અને દીવમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

મે અને સપ્ટેમ્બર 2026 વચ્ચે શરૂ થશે આ પ્રક્રિયા

નિર્દેશ પ્રમાણે વિવિધ રાજ્યોમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા મે અને સપ્ટેમ્બર 2026 વચ્ચે થશે. આમાં ઘરે ઘરે જઈને ચકાસણી, મતદાન મથકોનું પુનર્ગઠન, ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન, દાવાઓ અને વાંધા મેળવવાની પ્રક્રિયા અને અંતિમ મતદાર યાદીનું પ્રકાશન શામેલ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, 30 મે થી 28 જૂન દરમિયાન ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં ઘરે ઘરે જઈને ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે, અને આ રાજ્યો માટે અંતિમ મતદાર યાદી 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. 

BLO અને BLA ની ભૂમિકા

આ સાથે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, મેઘાલય અને દિલ્હીમાં, આ પ્રક્રિયા જૂનના અંતમાં શરૂ થશે અને 7 ઓક્ટોબર, 2026 સુધીમાં પૂર્ણ થશે. તમે નીચેની છબીમાં રાજ્યવાર સમયપત્રક જોઈ શકાશે. આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. લગભગ 3.94 લાખ બૂથ લેવલ ઓફિસર (BLO) ઘરે-ઘરે જઈને માહિતી એકત્ર કરશે. તેમની સાથે રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત 3.42 લાખ બૂથ લેવલ એજન્ટ (BLA) પણ સહયોગ આપશે. માત્ર મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9.86 કરોડ મતદારો માટે 97,924 BLO તૈનાત કરવામાં આવશે. એસઆઈઆરનો મુખ્ય હેતુ મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ અથવા મૃતક મતદારોના નામ હટાવવા અને તમામ પાત્ર નાગરિકોને આ પ્રક્રિયામાં સામેલ કરવાનો છે, જેથી લોકશાહીનો પાયો વધુ મજબૂત બને તેવો છે.