Wed May 06 2026

Logo

એકનાથ શિંદે સાથે ઠાકરેના સાંસદની એક જ કારમાં મુસાફરી: ઓપરેશન ટાઇગરની ચર્ચાઓ શરૂ

2026-05-05 20:32:03
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના રાજકારણમાં મોટી સંખ્યામાં પક્ષપલટો થઈ રહ્યા છે. ખાસ કરીને લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઘણા નેતાઓ મહાયુતિમાં સામેલ પક્ષોની રાહ જોતા હતા. હવે, છેલ્લા કેટલાક સમયથી શિવસેનાના ઓપરેશન ટાઇગરની ચર્ચાઓ ફરીથી શરૂ થઈ છે. તેવી જ રીતે આજે એવું બહાર આવ્યું છે કે ઠાકરે જૂથના એક સાંસદે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે એક જ કારમાં મુસાફરી કરી હતી. આનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષના સાંસદ સંજય દિના પાટીલે એક જ કારમાં મુસાફરી કરી હતી. થોડા દિવસો પહેલા સંજય દિના પાટીલની પત્નીનો અકસ્માત થયો હતો અને તેઓ મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમની પત્નીના આરોગ્યની પૂછપરછ કરવા ગયા હતા. એકનાથ શિંદે ગયા ત્યારે સંજય દિના પાટીલ તેમની કારમાં બેઠા હતા. આને પગલે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.

એકનાથ શિંદે અને સંજય દિના પાટીલ જૂના સાથીદારો છે, જૂના સાથીદાર અને મિત્ર તરીકે તેઓ તેમની ખબર પૂછવા માટે હોસ્પિટલ ગયા ત્યાં સુધી તેઓ ઠીક હતા. જોકે, સંજય દિના પાટિલ એકનાથ શિંદે સાથે તેમની કારમાં મુસાફરી કરી ત્યારથી, ઓપરેશન ટાઈગરની ચર્ચા ફરી તેજ થઈ ગઈ છે. કારણ કે થોડા દિવસો પહેલા, એવું બહાર આવ્યું હતું કે ઠાકરે જૂથના કેટલાક સાંસદો શિંદેના સંપર્કમાં હતા. 

જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે એક અપંગ મહિલાએ એકનાથ શિંદે પાસે તેમના પુત્રના કામ અંગે મદદ માગી હતી. તે સમયે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની કાર રોકી અને મહિલા સાથે વાત કરી હતી. મહિલાની વાત સમજ્યા પછી તેમણે તાત્કાલિક કંપનીને ફોન કર્યો અને મહિલાના પુત્રને કામ આપવા સૂચના આપી હતી. આ પછી મહિલાએ એકનાથ શિંદેનો આભાર પણ માન્યો હતો.