અમદાવાદઃ સામાન્ય નાગરિકોને કોઈ રંજાડે તો તે પોલીસ પાસે જાય છે, પરંતુ અમદાવાદમાં ડીવાયએસપી લેવલના ઓફિસરને પોતાની માલિકીનો ફ્લેટ ખાલી કરાવવા માટે પોલીસ ફરિયાદ નોંધાવવી પડે તે નવાઈની વાત કહેવાય. હાલમાં અમરેલીમાં ફરજ બજાવી રહેલા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીવાયએસપી) અશોકસિંહ ગોહિલે ચાંદખેડા વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી.
તેમની ફરિયાદ અનુસાર તેમણે વર્ષ 2020માં ન્યૂ સીજી રોડ વિસ્તારમાં રૂ. 40 લાખનો ફ્લેટ લીધો હતો અને તે માટે રૂ. 30 લાખની લોન લીધી હતી. આ ફ્લેટ ખરીદતા સમયે અહીં એક પરિવાર રહેતો હતો અને તેમણે બે દીકરીની સ્કૂલ નજીકમાં જ હોવાથી એકાદ મહિના માટે રહેવાની પરવાનગી માગી હતી. ગોહિલે માનવતાના ધોરણે કોઈપણ જાતનું ભાડું લીધા વિના તેમને રહેવા દીધા હતા. દરમિયાન કોરોનાની મહામારીને લીધે લૉકડાઉન લાગતા અને પોલીસ અધિકારીની બદલી અમરેલી થતા તેઓ ફ્લેટ ખાલી કરાવી શક્યા નહીં.
ત્યારબાદ આજ સુધી વારંવાર વિનંતી કરવામાં આવી હોવા છતા આ પરિવાર ફ્લેટ ખાલી કરતો નથી, તેવી ફરિયાદ તેમણે કરી હતી. જો અધિકારીના સંબંધીઓ તેમને વિનંતી કરવા જાય તો તેમને છેડતીના કેસમાં ફસાવી દેવાની કથિત ધમકી આપવામાં આવતી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. આ પરિવારે કોઈ રેંટ એગ્રિમેન્ટ કર્યું નથી કે 2020થી આજ દિવસ સુધી રેંટ આપ્યો નથી. બીજી બાજુ અધિકારીના પરિવારે અમદાવાદમાં અન્યત્ર રેંટ આપી રહ્યું પડે છે. આ સાથે આ ફ્લેટની કિંમત હાલમાં રૂ. 95 લાખ પહોંચી ગઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીએ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ફોજદારી કેસ નોંધવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા.ચાંદખેડા પોલીસે એકટની જોગવાઈઓ હેઠળ ત્રણ આરોપી સામે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.